ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર મોન્ટી પાનેસર રાજકીય મેદાનમાં પ્રવેશવા સજ્જ છે. પાનેસર ડાબેરી વિચારધારા ધરાવતી વર્કર્સ પાર્ટી ઓફ બ્રિટન તરફથી લંડનની ઇલિંગ સાઉથોલ બેઠક પરથી ચૂંટણી લડશે તેવી પાર્ટીના નેતા જ્યોર્જ ગેલોવે મંગળવારે જાહેરાત કરી હતી. પાનેસરે પણ આગામી સામાન્ય ચૂંટણીમાં જ્યોર્જ ગેલોવેની પાર્ટી તરફથી પોતે ઊભા રહેવાનો હોવાની પુષ્ટી આપી હતી.
ગેલોવે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી યુકેની ચૂંટણીમાં 200 ઉમેદવારો મેદાનમાં ઉતારશે અને પાનેસર તેમનો એક છે.
ડાબેરી સ્પિનર પાનેસરે 2006થી 2013 દરમિયાન ક્રિકેટ કારકિર્દીમાં 50 ટેસ્ટમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 167 વિકેટો ઝડપી હતી. નિવૃત્તિ પછી પાનેસરે લંડનની સેન્ટ મેરી યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ જર્નાલિઝમનો અભ્યાસ કરીને ફ્રીલાન્સ પત્રકાર, લેખક અને બ્રોડકાસ્ટર તરીકે કામ ચાલુ કર્યું હતું.
ઇલિંગ સાઉથોલ બેઠક પર શીખ અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે. આ બેઠકનું પ્રતિનિધિત્વ લેબર સાંસદ વિવેન્દ્ર શર્મા 2007થી કરે છે. આ મહિનાની શરૂઆતમાં પાનેસરે શો રેસિઝમ ધ રેડ કાર્ડ ઝુંબેશના સમર્થનમાં એક વીડિયો શૂટ કર્યો હતો, જેમાં તેને ઈમિગ્રેશનના ફાયદા ગણાવતા જણાવ્યું હતું કે મને લાગે છે કે ઇમિગ્રેશન બ્રિટનને એક મજબૂત દેશ બનાવશે.