ગુજરાતના અનેક વિસ્તારોમાં 25થી 27 નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ 26 નવેમ્બરે અમદાવાદ, રાજકોટ સહિતની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજકોટમાં વહેલી સવારથી ઠંઠા પવનો સાથે બરફવર્ષા થઈ હતી અને હિલસ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. લોકો બરફથી રસ્તા પર મોજમસ્તી કરતા જોવા મળ્યાં હતા.
રવિવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અને કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, પાટણ અને કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ચાલુ થયો હતો.
અમદાવાદના મણિનગર, એસજી હાઈવે, થલતેજ, પકવાન ચાર રસ્તા, જુહાપુરા, સરખેજ, ઇસ્કોન વગેરે સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી હતી. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો.
હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની તથા દાહોદ અને પંચમહાલમાં 27મી નવેમ્બરે ભારે વરસાદ થવાની આગાહી કરી હતી. હવામાન વિભાગે 25 નવેમ્બરે કચ્છ, જૂનાગઢ, ગીર, સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દીવ અને દાદર નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરી હતી. 26 નવેમ્બરે રાજ્યના દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સિવાયના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી હતી.વધુમાં, દાહોદ અને પંચમહાલને યલો વોર્નિંગ જારી કરવામાં આવી હતી જે અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના દર્શાવે છે.