નૈઋત્યનું ચોમાસું આગામી બેથી ત્રણ દિવસમાં કેરળમાં આવી પહોંચવાની ધારણા છે. તેનાથી ભારતના કૃષિ આધારિત અર્થતંત્ર માટે જીવનરેખા ગણાવતા ચોમાસાનો દેશભરમાં ધીમો પ્રારંભ થશે, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું.
અગાઉ હવામાન વિભાગે બંગાળના અખાતમાં ત્રાટકેલા અસાની વાવાઝોડાની અસરને કારણે શુક્રવાર (27 મેએ) કેરળમાં ચોમાસુ આગમન થવાની આગાહી કરી હતી. આ અગાહીમાં ચાર દિવસની મોડલ એરર થઈ હતી. જોકે દક્ષિણ દ્વિપકલ્પ પર વેધર સિસ્ટમની અસરને કારણે કેરળમાં ચોમાસાના વહેલા આગમન અને તે ઉત્તર ભારતમાં ઝડપથી આગળ વધવાની આશા ઠગારી નીવડી હતી.
આઈએમડીએ જણાવ્યું હતું કે સેટેલાઇટ ઇમેજ મુજબ કેરળના દરિયાકાંઠા અને દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્ર પર વાદળો ઘેરાયા છે. તેથી આગામી 2થી 3 દિવસમાં કેરળમાં ચોમાસાનો પ્રારંભ થવા માટે સાનુકુળ સ્થિતિ ઊભી થઈ છે.
સામાન્ય રીતે કેરળ અને લક્ષ્યદીપના 14 વેધર સ્ટેશનમાંથી 60 ટકા સ્ટેશનમાં સતત બે દિવસ સુધી 2.5 મીમી વરસાદ નોંધાય તો વેધર ઓફિસ કેરળમાં ચોમાસાના આગમનની જાહેરાત કરે છે.
હવામાન વિભાગે અરેબિયન સમુદ્રમાંથી આવતા પશ્ચિમ પવનોની અસર હેઠળ આગામી પાંચ દિવસ દરમિયાન કેરળ અને લક્ષ્યદીપમાં ગાજવીજ સાથે વ્યાપક હળવો-મધ્યમ વરસાદ થવાની તથા આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરીમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી બેથી ત્રણ દિવસમાં ઉત્તરાખંડ, પશ્ચિમ પંજાબ, ઉત્તર હરિયાણા, ઉત્તરપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસોમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિર્ગી સેલ્શિયસનો વધારો થવાની ધારણા છે.