ગુજરાતમાં ઉભરી રહેલા ધોલેરા સ્માર્ટ સિટી અને અમદાવાદ વચ્ચે મોનો રેલ પ્રોજેક્ટને ગુજરાત સરકારને આખરે મંગળવારે મંજૂરી આપી હતી. તેનાથી અમદાવાદ અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) વચ્ચે મોનો રેલ દોડાવવાની કામગીરીનો પ્રારંભ થશે. આ પ્રોજેક્ટ્સ કામગીરી ચાલુ થયાના 36 મહિનામાં પૂરો થવાનો અંદાજ છે. આ મોનોરેલ ગુજરાતની પ્રથમ હશે.
ગુજરાત સરકારે આ માટેના રુ.6,000 કરોડના માસ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ(MRTS)ના ડ્રાફ્ટ પ્રોજેક્ટ રિપોર્ટને મંગળવારે મંજૂરી આપી હતી. જે પ્લાન્ડ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ હબ ધોલેરા અને ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદને એકબીજા સાથે જોડશે.
કેન્દ્ર સરકારના દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર હેઠળ ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે નાણાંકીય અને ટેકનિકલ સહાયની મંજૂરી મેળવી લીધી છે. આ પ્રોજેક્ટને તેની કામગીરી શરુ થયાના 24થી 36 મહિનામાં પૂરો થવાનો અંદાજ છે. માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે મોનો રેલ માટેનો રૂટ, અલાઇન્મેન્ટ, સ્ટેશન પ્લાન અને ટેકનિકલ તેમજ નાણાંકીય પ્રપોઝલને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને તરફથી મંજૂરી મળી ગઈ છે.
સૂત્રોએ ઉમેર્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળી ગયા બાદ આ MRTS પ્રોજેક્ટને DMIC માટે JICA(જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી)ના પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મોનો રેલ પ્રોજેક્ટ માટેની જરુરી જમીન સંપાદનની કામગારી નેશનલ હાઇવે ઓથોરિટીના અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પ્રોજેક્ટ સાથે સાથે જ પૂર્ણ કરવામાં આવી છે. મોનો રેલ માટે એક્સ્પ્રેસ વેની સાથે સાથે એલિવેટેડ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. પ્લાન મુજબ આ રૂટ પર 7 સ્ટેશન રાખવાની યોજના છે.