આરોગ્ય સત્તાવાળાઓ દ્વારા યુકેમાં મંકીપોક્સ વાઇરસના ચાર નવા કેસની પુષ્ટિ થયા પછી ગે અને બાયસેક્સ્યુઅલ પુરુષોને શરીર પર થતી અસામાન્ય ફોલ્લીઓ અથવા જખમથી સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે. દેશમાં ચેપથી પિડાતા લોકોની સંખ્યા સાત થઈ છે.
ત્રણ કેસ લંડનમાં અને એક નોર્થ ઇસ્ટ ઈંગ્લેન્ડમાં નોંધાયા છે તે તમામ ગે અથવા બાયસેક્સ્યુઅલ છે. તેમણે ચેપ ક્યાંથી અને કેવી રીતે મેળવ્યો તેની તાકીદે તપાસ ખઇ રહી છે.
આ બીમારી દુર્લભ અને અસામાન્ય છે. UKHSA આ ચેપના સ્ત્રોતની ઝડપથી તપાસ કરી રહ્યું છે. પુરાવા સૂચવે છે કે સમુદાયમાં મંકીપોક્સ વાઇરસનું પ્રસારણ હોઈ શકે છે, જે નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે. સાત જાણીતા કેસોના સંભવિત નજીકના સંપર્કોની તપાસ કરાઇ રહી છે.
તબીબી સંભાળની જરૂર હોય તે બધા દર્દીઓને રોયલ ફ્રી હોસ્પિટલ, ન્યુકેસલ અપોન ટાઇન એન્ડ ગાય્સની રોયલ વિક્ટોરિયા ઇન્ફર્મરીમાં અને લંડનમાં સેન્ટ થોમસમાં નિષ્ણાત ચેપી રોગ યુનિટમાં સારવાર અપાઇ રહી છે. UKHSA એ કહ્યું કે તેઓ બધા પાસે વાઇરસનું વેસ્ટ આફ્રિકન ક્લેડ છે, જે મધ્ય આફ્રિકન ક્લેડની તુલનામાં “હળવા” છે.
મંકીપોક્સ એ વાઇરલ ચેપ છે જે સામાન્ય રીતે વેસ્ટ આફ્રિકાની મુસાફરી સાથે સંકળાયેલ છે. મંકીપોક્સ ધરાવતા વ્યક્તિના ખૂબ નજીકના સંપર્કમાં આવવાથી આ ચેપ ફેલાય છે અને મોટાભાગના લોકો થોડા અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે. આ વાઇરસ લોકો વચ્ચે સરળતાથી ફેલાતો નથી અને યુકેની વસ્તી માટે જોખમ ઓછું છે.