એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા મની લોન્ડરિંગ ધારાના નિરંકુશ ઉપયોગથી આ કાયદાના મૂલ્યને અસર થાય છે અને ઇડી લોકોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે આ ધારાનો એક હથિયાર તરીકે ઉપયોગ કરી શકે નહીં, એમ સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું. મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડ સ્થિત કંપનીની અપીલની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ અવલોકન કર્યું હતું.
કોર્ટે જણાવ્યું હતું તે જો તમે બેફામ રીતે ઇડી કાર્યવાહીનો ઉપયોગ ચાલુ કરશો તો આ ધારો તેનું મહત્ત્વ ગુમાવશે. ઇડી આ ધારાના મહત્ત્વને ઘટાડી રહી છે. માત્ર આ એક આવો કેસ નથી. જો રૂ.1,000ના મની લોન્ડરિંગ કેસ, રૂ.100ના મની લોન્ડરિંગ કેસ સામે આ કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ ચાલુ થશે તો શું થશે. તમે તમામ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી શકો નહીં. આવા નિરંકુશળ ઉપયોગથી ધારાના મૂલ્યમાં ઘટાડો થાય છે.
આર્યન ઓર ફાઇન્સની નિકાસ સંબંધિત એક કેસમાં ઝારખંડ હાઇકોર્ટના આદેશને સ્ટીલ કંપની ઉષા માર્ટિને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.