વિકેટ કીપર અને બેટ્સમેન મોનાંક પટેલની આયર્લેન્ડ સીરિઝ માટે અમેરિકાની ટીમના કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આયર્લેન્ડ આઇસીસીના સંપૂર્ણ સભ્યોના રાષ્ટ્ર સાથે પ્રથમવાર અમેરિકામાં સીરિઝ રમવા માટે આવશે. આ બંને દેશો વચ્ચે મલ્ટિ ફોર્મેટ વાઇટ બોલ સીરિઝ હેઠળ 22થી 30 ડિસેમ્બર દરમિયાન પાંચ ઇન્ટરનેશનલ મેચ રમાશે. ડાબોડી સ્પિનર વત્સલ વાઘેલા અને વિકેટ કીપર અને બેટ્સમેન રાહુલ જરીવાલને પણ આ સીરિઝ માટે અમેરિકાની ટીમમાં સ્થાન મળ્યું છે.
યુએસએ ક્રિકેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પસંદગી સમિતીએ વન ઇન્ટરનેશનલ ટીમ માટે કેપ્ટન તરીકે મોનાંક પટેલની પસંદગી કરી છે અને વાઇસ કેપ્ટન તરીકે એરોન જોન્સની વન-ડે ઇન્ટરનેશનલ અને ટી 20 ફોર્મેટની મેચો માટે પસંદગી કરી છે. મોનાંકે એન્ટીગ્વામાં ટી-20 મેચમાં સફળ નેતૃત્ત્વ કર્યું હતું, અને તે હવે પુરુષોની રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરશે. યુએસ ક્રિકેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સૌરભ નેત્રાવકર ટીમના મહત્ત્વના સભ્ય તરીકે અને ગ્રૂપના નેતૃત્ત્વની ભૂમિકા ભજવશે પરંતુ તેને વન-ડે અને ટી 20 મેચમાં બોલીંગ પર હવે વધુ ધ્યાન આપવા માટે સ્વતંત્ર રાખવામાં આવશે.