ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જો કે તે વન-ડે તેમજ ટી-20માં, ક્રિકેટની મર્યાદિત ઓવર્સની ફોરમેટમાં હજી રમવા ઈચ્છે છે.
સાત વર્ષ પહેલાં 12 જૂન, 2014ના રોજ મોઈન અલીએ શ્રીલંકા સામે લોર્ડ્સમાં ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ઈંગ્લેન્ડ તરફથી અત્યારસુધી 64 ટેસ્ટ રમ્યો છે, 2914 રન કર્યા છે અને 195 વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 155 રન છે, તો 53 રનમાં 6 વિકેટ બોલર તરીકે તેનો શ્રેષ્ઠ દેખાવ રહ્યો છે. તે આ મહિને જ – 2 સપ્ટેમ્બરે લંડનના ઓવલ ખાતે ભારત સામે છેલ્લી ટેસ્ટ મેચમાં રમ્યો હતો.
મોઈન અલીએ 2019માં 5 ટેસ્ટ મેચ રમ્યા પછી અનિશ્ચિતકાળ માટે બ્રેક લીધો હતો. એ પછી ભારત પ્રવાસ વેળાએ તેની વાપસી થઈ હતી. ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસમાં તે 3 ટેસ્ટ મેચ રમ્યો હતો, પણ તેનો દેખાવ કઈં ખાસ રહ્યો નહોતો. આ વર્ષના અંતે ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ડિસેમ્બરમાં જશે. એ વખતે મોઈન અલીની ગેરહાજરી ટીમ મોટી સમસ્યા બની શકે છે.