ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને નોર્થ લંડનમાં રહેતા ચેરિટી વર્કર મોહન માનસીગાનીને લંડનના બકિંગહામ પેલેસ ખાતે એક સમારોહમાં પ્રિન્સેસ એની, પ્રિન્સેસ રોયલ, સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સ કમાન્ડન્ટ-ઈન-ચીફ (યુવા) દ્વારા ઓફિસર ઓફ ધ મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર (OBE) સન્માન એનાયત કરાયું હતું. મોહનને ગયા વર્ષે જૂનમાં સ્વર્ગસ્થ ક્વીન એલિઝાબેથ II ની 2021 બર્થડે ઓનર્સની યાદીમાં આરોગ્યસંભાળ માટે સખાવતી સેવાઓ બદલ સન્માન આપવાનું નક્કી કરાયું હતું.
સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સ ચેરિટીના ટ્રસ્ટી અને યુકેની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ફેલો માનસીગાનીએ જણાવ્યું હતું કે, “હું દેશને કંઈક પાછું આપવા માટે પૂરતો ભાગ્યશાળી રહ્યો છું જેણે મને સેન્ટ જ્હોન અને માઇગ્રેશન મ્યુઝિયમમાં મારા કામ દ્વારા ઘણું આપ્યું છે. હું આ પુરસ્કાર મારી પત્ની રેણુ માનસીગાનીને સમર્પિત કરવા માંગુ છું. જેમણે મિલ હિલ સાઈ સેન્ટર દ્વારા છેલ્લા 20 વર્ષોમાં નાના બાળકોને નિઃસ્વાર્થપણે માનવીય મૂલ્યો શીખવ્યા છે અને તે ખરેખર માન્યતાને પાત્ર છે.”