ત્રણ વર્ષ પહેલા ઘરેથી ગાયબ થયેલા અને ઘરથી દૂર જંગલમાંથી મૃત હાલતમાં મળી આવેલા 27 વર્ષીય મોહમ્મદ શાહ સુભાનીના કરુણ મૃત્યુ માટે પોલીસે ધરપકડ કરાયેલા ત્રણ જણા સામે કોર્ટમાં આરોપ રજૂ કર્યો છે.
શાહના પરિવારે 7 મે 2019ના રોજ તેના ગુમ થયાની જાણ કરી. 19 ડિસેમ્બર, 2019ના રોજ – તેના ગુમ થયાના સાત મહિના પછી શાહના મૃતદેહના અવશેષો બકિંગહામશાયરમાં બીકન્સફિલ્ડ નજીકના જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. પોલીસે બનાવના ત્રણ વર્ષ પછી 10 જૂનના રોજ શાહની હત્યા અને પૂરાવાનો નાશ કરી ન્યાયની દિશા અવરોધવાનો આરોપસર અમરાજ પુનિયા, (ઉ.વ. 26, ફાર્મફિલ્ડ ડ્રાઇવ, હોર્લી, સરે); રાનીલ પૂનિયા, (ઉ.વ. 25, વ્હાઇટહાઉસ વે, સ્લાવ) અને ગુરદિત્તા સિંઘ, (ઉ.વ. 25, મોરલેન્ડ એવન્યુ, સ્લાવ)ની ધરપકડ કરી કોર્ટમાં તહોમત મૂક્યું છે. તેમને 11 જૂનના રોજ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કસ્ટડીમાં હાજર કરાયા હતા.
માતા-પિતા, ભાઈ અને બે બહેનો સાથે સાઉથ વેસ્ટ લંડનના હન્સલોમાં રહેતો શાહ ગુમ થયો તે સમયે તેની પત્ની ગર્ભવતી હતી અને તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. શાહ ગુમ થયો તે દિવસે તેની બહેનના લગ્નની ખરીદી કરવા માટે જવાનો હતો. 16 જૂનના રોજ યોજાયેલા લગ્ન રદ કરાયા હતા.