કાર ચોરીને ભાગી રહેલા કિશોરને રોકવાના પ્રયાસમાં કારની ટક્કર લાગતા મોતને ભેટેલા નોર્થ ઇંગ્લેન્ડના સ્ટોકપોર્ટ ખાતે રહેતા મોહમ્મદ ઇસ્લામની હત્યા બદલ 15 વર્ષના કિશોરને માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા ચાર વર્ષ અને નવ મહિનાની અટકાયતની સજા કરવામાં આવી હતી.
ગત જાન્યુઆરીમાં સ્ટોકપોર્ટમાં રહેતા 53 વર્ષીય રેસ્ટોરન્ટ-માલિક મોહમ્મદ ઇસ્લામે ચોરાયેલી કાર રોકવાનો પ્રયાસ કરતાં તેઓ મર્સિડીઝ કારના પૈડા નીચે આવી ગયા હતા. જેમાં તેમને માથામાં ગંભીર ઇજા થતાં તેમનું બે દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું. આ કાર તેમને બે પુત્રો અને પુત્રી તરફથી ભેટ અપાઇ હતી.
તેમની પુત્રી નસરીન ચૌધરીએ કોર્ટને કહ્યું હતું કે “અમારા પપ્પા અમારા ઘરનો પાયો હતા. તેમના નિધનથી માત્ર મારા પરિવારને જ નહીં પરંતુ સમગ્ર સમુદાયને અતુલ્ય નુકશાન થયું હતું.”
અપરાધ સમયે કિશોરની વય 14 વર્ષની હતી અને ઉંમરને કારણે તેનું નામ જાહેર કરાયું નથી. તેણે આ અગાઉ સુનાવણીમાં કારની ચોરી અને નરસંહારના ગુનાનો એકરાર કર્યો હતો. તે કિશોર પાંચ લોકોના જૂથનો ભાગ હતો જેઓ ચોરી કરવા અને વેચવા માટે વાહન શોધી રહ્યા હતા.
ઇસ્લામ માર્પલમાં માર્પલ સ્પાઇસ રેસ્ટોરન્ટ ચલાવતા હતા અને રોમીલીમાં આવેલા ઘરે જતા પહેલાં જાતે જ ગ્રાહકને ફૂડની ડીલીવરી આપવાનું પસંદ કર્યું હતું. તેઓ ડિલિવરી આપવા ગયા હતા ત્યારે કિશોરે તેમની કાર ચોરી લીધી હતી.
તેના સાગરીત કોનોર રીડ, (ઉ.વ. 18)ને ચોરીના ષડયંત્ર માટે દોષીત ઠેરવી 13 મહિનાની બે વર્ષની સસ્પેન્ડ અટકાયત અને 120 કલાક અવેતન કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.