વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમદાવાદમાં મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ની ગોલ્ડન જ્યુબિલી ઉજવણીમાં ભાગ લીધો હતો અનેક ડેરી પ્રોડક્ટ ફેક્ટરીઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતાં. આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોની ભાગીદારી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતો.
તેમના સંબોધનમાં મોદીએ ડેરી ક્ષેત્રની કરોડરજ્જુ મહિલાઓ હોવા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે છે રાષ્ટ્રને વિકાસ તરફ આગળ વધારવા માટે ભારતની દરેક મહિલાની આર્થિક સ્થિતિને મજબૂત કરવી મહત્ત્વપૂર્ણ છે. મુદ્રા યોજના હેઠળ આશરે 70 ટકા મહિલાઓને 30 લાખ કરોડ રૂપિયાથી વધુની સહાયની જોગવાઈને ટાંકીને તેમણે જણાવ્યું કે સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા સક્રિયપણે કામ કરી રહી છે.
અમૂલની પ્રશંસા વ્યક્ત કરતા મોદીએ કહ્યું હતું કે “ભારતની આઝાદી પછી, દેશમાં ઘણી બ્રાન્ડ્સ ઉભરી આવી છે જો કે, અમૂલ જેવી કોઈ બ્રાન્ડ નથી, જે વિશ્વાસ, વિકાસ, જનભાગીદારી, ખેડૂત સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારત માટે પ્રેરણાનો પર્યાય બની હોય.” ભારતનું ડેરી ક્ષેત્ર વાર્ષિક 6 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે, જે વૈશ્વિક ડેરી ક્ષેત્રને પાછળ છોડી રહ્યું છે જે વાર્ષિક 2 ટકાના દરે વિકાસ કરી રહ્યું છે.
અમૂલને વિશ્વની સૌથી મોટી ડેરી કંપની બનવાનો લક્ષ્યાંક આપતા મોદીએ કહ્યું, “આજે અમૂલ (GCMMF) વિશ્વની આઠમી સૌથી મોટી ડેરી કંપની છે, તમારું લક્ષ્ય તેને નંબર વન બનાવવાનું છે, સરકાર તેનો તમામ સહયોગ આપશે. આ મોદીની ગેરંટી છે.
છેલ્લા બે દાયકામાં, ગુજરાતમાં દૂધ નિગમોની સંખ્યા 12 થી વધીને 23 થઈ ગઈ છે. ડેરી ઉદ્યોગે 11 લાખ મહિલાઓ સહિત 36 લાખથી વધુ લોકો સાથે સંકળાયેલા છે, જેમાં 3,300 દૂધ ગૃહો સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે.
તેમની ગુજરાત મુલાકાત દરમિયાન, મોદી 15 જિલ્લાઓમાં રોડ, રેલ, ઉર્જા, આરોગ્ય, ઈન્ટરનેટ કનેક્ટિવિટી, શહેરી વિકાસ, પાણી પુરવઠો અને પ્રવાસન જેવા નિર્ણાયક ક્ષેત્રોમાં ફેલાયેલા રૂ. 22,850 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું અનાવરણ પણ કરશે. જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ડ્રીમ સિટી માટે રૂ. 5,040 કરોડથી વધુની કિંમતના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટનનો સમાવેશ થાય છે.