વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટીકાકાર ગણાતા ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તેમના પક્ષના કાર્યકરોને ફિલ્મો અંગે બિનજરૂરી ટિપ્પણી કરવાનું બંધ કરવાની સલાહ મોડી આવી છે, કારણ કે ટોળું હવે નિયંત્રણની બહાર છે. જોકે આ ફિલ્મના નિર્માતા શારિક પટેલે મોદીની સલાહનું સ્વાગત કર્યું હતું અને પોતે અનુરાગના વિચાર સાથે સંમત ન હોવાનું જણાવ્યું હતું અને આશા વ્યક્ત કરી હતી અનુરાગ ખોટા સાબિત થશે.
તાજેતરમાં નવી દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં તેમના મોદીએ પાર્ટીના કાર્યકરોને ફિલ્મો અને લઘુમતી સમુદાય અંગે બિનજરૂરી ટિપ્પણી કરવાથી દૂર રહેવાનું સૂચન કર્યું હતું, કારણ કે તેનાથી પાર્ટીનો વિકાસના એજન્ડાને ઢંકાઈ જાય છે.
નવી ફિલ્મ “ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત”ના ટ્રેલર રિલીઝ કરવાના એક કાર્યક્રમમાં અનુરાગ કશ્યપને આ અંગે સવાલ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે જો વડા પ્રધાને તેમના પક્ષના કાર્યકરોને ચાર વર્ષ પહેલા આવી સલાહ આપી હોત તો ફરક પડત. પરંતુ હવે તેનાથી કોઇ ફરક પડે તેવું મને લાગતું નથી. તે તેમના પોતાના લોકોને નિયંત્રિત કરવા વિશે હતું. હવે સ્થિતિ અંકુશ બહાર જતી રહી છે. કોઇ કોઇનું સાંભળે તેવું મને લાગતું નથી.
ફિલ્મ નિર્માતાએ પત્રકારોને જણાવ્યું હતું કે, તમે મૌન રહો છો, ત્યારે તમે પૂર્વગ્રહને સશક્ત કરો છો અને તમે નફરતને સશક્ત કરો છો. તે હવે એટલી સશક્ત થઈ ગઈ છે કે તે પોતે જ એક શક્તિ છે. ટોળું હવે નિયંત્રણની બહાર છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગ સગાવાદ, સેલિબ્રિટી કલ્ચર, ડ્રગ્સ અને વિવાદાસ્પદ સામગ્રી વગેરેને કારણે વિવાદના કેન્દ્રમાં રહી છે.