વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે 11 ઓક્ટોબરે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જંગી જનસભાને સંબોધન કરતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે આ વખતે કોંગ્રેસે મને ગાળો દેવાનો કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો છે અને તે ગ્રામીણ મતો મેળવવા માટે ચુપકીદીથી કામ કરી રહી છે.
મોદીએ ગઇકાલે પણ આણંદમાં એક સભા સંબોધતા કાર્યકર્તાઓને કોંગ્રેસથી સાવચેત રહેવાની સલાહ આપી હતી. મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આ વખતે ના કોઈ સભા કરી રહી છે કે ના કોઈ પ્રેસ કોન્ફરન્સ, અને કરે તો પણ મારા પર ના કોઈ હુમલો કરે છે કે ના કોઈ અપશબ્દ કહે છે. કોંગ્રેસ ખાટલા બેઠકો કરી ગામડે-ગામડે પોતાના લોકોને પહોંચાડી રહી છે. કોંગ્રેસ લોકો આગળ રોકકળ કરીને પગે લાગી એક વખત મદદ કરો તેવું કહી રહી છે. કોંગ્રેસે ગાળો ભાંડવાનો જે કોન્ટ્રાક્ટ છે તે બીજાને આપી દીધો છે અને ગામડામાં જઈ બેઠું કામ પોતે ચાલુ કર્યું છે. કોંગ્રેસની ચાલાકીને સમજવાનું કહેતા મોદીએ જણાવ્યું હતું કે તેમના આ ખેલને પણ ગુજરાતની જનતા પરાસ્ત કરશે.
મોદી છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના પ્રવાસે છે. તેમણે આ પ્રવાસ દરમિયાન ભરુચ, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લામાં વિશાળ જનસભાઓ સંબોધી હતી. ચૂંટણી પહેલા ભાજપનો ઝંઝાવાતી પ્રચાર કરી રહેલા મોદી આ વખતે પોતાની સભાઓમાં પહેલીવાર મતદાન કરવા જઈ રહેલા કે પછી 20-22 વર્ષના યુવાનોને ખાસ ટાર્ગેટ કરી તેમને પોતાના માતાપિતાને એક સમયે ગુજરાતની શું સ્થિતિ હતી તે પૂછવા કહી રહ્યા છે. 20-25 વર્ષમાં તમારા માતાપિતાએ અમને સાથ સહકાર આપ્યો, પોતે મહેનત કરી અને અમારી પાસે કરાવી, અને તેના પરિણામે ગુજરાત આટલે પહોંચ્યું છે, જેના ફળ તમને ખાવા મળી રહ્યા છે.
કોંગ્રેસ પર પ્રહારો કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતની વિરુદ્ધમાં રહેલા લોકોએ રાજ્યને બદનામ કરવામાં કોઇ કચાશ રાખી ન હતી. તેમણે મને ગાળો દીધી હતી અને મૌતનો સોદાગર કહ્યો હતો. તેઓ હવે એકાએક શાંત થઈ ગયા છે. તેમણે હોબાળો કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. મોદી અહીં આમ આદમી પાર્ટી તરફ ઇશારો કરી રહ્યાં હતો.
મોદીએ ભાજપના કાર્યકરો અને સમર્થકોને કહ્યું કે કોંગ્રેસના નેતાઓને પૂછો કે શું તેઓ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે, જે ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના માનમાં ગુજરાતમાં બનાવવામાં આવી છે. એક જૂથ સિવાય વિશ્વભરમાંથી લોકો ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે છે,
‘ગુજરાત મોડલ’ના ટીકાકારોનો દેખીતી ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે આજે રાજ્ય અને વિકાસ એકબીજાના પર્યાય બની ગયા છે.ગુજરાતના વિકાસની વાતોને આંકડાઓ દ્વારા સમર્થન મળી શકે છે તેમણે એ દિવસોને યાદ કર્યા જ્યારે લોકોને પાણી અને વીજળી માટે સંઘર્ષ કરવો પડતો હતો અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ હતી.મોદીએ કહ્યું કે ભાજપના 20 વર્ષના શાસનમાં આ તમામ બદલાઈ ગયું છે.