વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કુલ રૂ.2.23 કરોડની સંપત્તિ છે. તેમની મોટા ભાગની એસેટ બેન્ક ડિપોઝિટના સ્વરૂપમાં છે. જોકે તેમની પાસે કોઇ સ્થાવર મિલકત નથી, કારણ કે તેમની પાસે ગાંધીનગરમાં જે પ્લોટ હતો, તે દાનમાં આપી દીધો છે. મોદી બોન્ડ, શેર કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં કોઇ રોકાણ ધરાવતા નથી કે તેમની પાસે કોઇ વ્હિકલ નથી. જોકે તેમની પાસે રૂ.1.73 લાખની ચાર ગોલ્ડ રિંગ છે, એમ વડાપ્રધાન કાર્યાલયે જારી કરેલી માહિતીમાં જણાવાયું છે. આ માહિતી 31 માર્ચ 2022 સુધીની છે.
મોદીની જંગમ મિલકત એક વર્ષની સરખામણીમાં રૂ.23.12 લાખ વધી છે. 31 માર્ચ 2022ના રોજ તેમની કુલ એસેટ આશરે રૂ.2.23 કરોડ હતી.
વડાપ્રધાન કાર્યાલયે બીજા 10 પ્રધાનોની સંપત્તિની જાણકારી પણ જારી કરી હતી. માર્ચ 2021ના અંતમાં મોદીની જંગમ સંપત્તિ 1,97,68,885 રૂપિયા હતી, જે 31 માર્ચ 2022 સુધી વધી 2,23,82,504 રૂપિયા થઈ હતી. આ રૂપિયામાં ફિક્સ્ડ ડિપોઝીટ, જીવન વીમા પોલિસી, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, જ્વેલરી અને કેશ સામેલ છે.
એક રિપોર્ટ અનુસાર મોદીનું બેન્ક બેલેન્સ 31 માર્ચ 2021એ 1,52,480 રૂપિયા હતુ, જે હવે ઘટીને 46,555 રૂપિયા થઈ ગયુ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની જંગમ સંપત્તિની કિંમત 29.58 લાખ રૂપિયા વધી છે એટલે કે 2.24 કરોડ રૂપિયાથી 2.54 કરોડ રૂપિયા થઈ ગઈ છે.