
બેંગકોંકમાં શુક્રવાર, 4 એપ્રિલે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુઓ સહિત લઘુમતીઓની સુરક્ષા અંગે ભારતની ચિંતાઓ પર ભાર મૂક્યો હતો અને અપેક્ષા વ્યક્ત કરી હતી કે બાંગ્લાદેશી સરકાર તેમની સુરક્ષા સુનિશ્ચિત કરશે. વડાપ્રધાને લઘુમતીઓ પરના અત્યાચારના કેસોની સંપૂર્ણ તપાસનો પણ અનુરોધ કર્યો હતો. આ બેઠક દરમિયાન મોદીએ બંને દેશોના સંબંધોને નુકસાન પહોંચે તેવા નિવેદનો ન કરવા માટે પણ બાંગ્લાદેશના વડાને અનુરોધ કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે યુનુસે તાજેતરમાં ચીનના પ્રવાસ દરમિયાન બંગાળના અખાતને પોતાનો ગણાવ્યો હતો અને ચીનને આમંત્રણ આપ્યું હતું. યુનેસે ભારતના પૂર્વોત્તર રાજ્યો અંગે કરેલી ટીપ્પણીની પણ ભારતે તીખી પ્રતિક્રિયા આપી હતી.
બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ એન્ડ ટેકનિકલ કોઓપરેશન (BIMSTEC)ની બેઠક દરમિયાન યુનુસ અને મોદી વચ્ચે બેઠક યોજાઈ હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં વડાપ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી પછી આ તેમની પ્રથમ મુલાકાત હતી. શેખ હસીનના પતન પછી ભારત અને બાંગ્લાદેશના સંબંધો કથળ્યા છે.
યુનુસ સાથે મોદીની મુલાકાત અંગે પત્રકારોને માહિતી આપતાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે મોદીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓની સલામતી અને સુરક્ષા સંબંધિત ભારતની ચિંતાઓ પર ભાર મૂક્યો હતો.પીએમ મોદીએ અપેક્ષા વ્યક્ત કરી હતી કે બાંગ્લાદેશ સરકાર લઘુમતીઓ સામેના અત્યાચારના તમામ કેસોની સંપૂર્ણ તપાસ સહિત તેમની સુરક્ષા સુનિશ્ચિત કરશે.
વિદેશ સચિવે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન, પીએમ મોદીએ એવો પણ આગ્રહ કર્યો હતો કે બંને દેશો વચ્ચેના સંબંધોને નુકસાન થાય તેવા કોઇપણ નિવેદનથી બચવું જોઇએ. વડાપ્રધાન મોદીએ લોકશાહી, સ્થિરતા, શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને સમાવેશી બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. બેઠક દરમિયાન, પીએમએ સરહદ અને કાયદાના કડક અમલીકરણ અને ગેરકાયદેસર સરહદ ઘૂસણખોરી રોકવા વિશે પણ વાતચીતકરી હતી.
યુનુસે હસીનાના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો હતો કે નહીં તેવા સવાલના જવાબમાં મિસરીએ સીધો જવાબ આપ્યો ન હતો અને કહ્યું હતું કે હાલમાં આ મુદ્દા પર વાતચીત કરવી યોગ્ય નથી અને ભૂતકાળમાં મંત્રાલયે કહ્યું છે કે તેમને બાંગ્લાદેશ તરફથી વિનંતી મળી છે.
