ગુજરાતમાં સાત મેએ લોકસભાની 25 બેઠકો પર મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બે દિવસ સુધી ગુજરાતમાં છ ચૂંટણીસભાઓ યોજીને ભાજપ માટે ધુઆંધાર પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કુલ છ જાહેરસભા યોજીને રાજ્યની કુલ 11 લોકસભા બેઠકોને આવરી લીધી હતી.
વડાપ્રધાન મોદી આણંદ, સુરેન્દ્રનગરના વઢવાણ, જૂનાગઢ, જામનગર, બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠાના હિંમતનગરમાં ચૂંટણીસભાઓ ગજવી હતી. આ ચૂંટણીસભામાં તેમણે તુષ્ટીકરણ, પાકિસ્તાન, વોટબેન્કની રાજનીતિ, વોટજેહાદ, અયોઘ્યા રામ મંદિર સહિતના મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી.
ગુજરાતની 26માંથી 25 બેઠકો માટે મતદાન ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 7 મેના રોજ મતદાન થશે. સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
સોમવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતમાં પ્રચાર કર્યો હતો અને ભાજપની ત્રીજી ટર્મની હિમાયત કરી હતી. તેમના સંબોધન દરમિયાન, ગૃહ પ્રધાને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે જો મોદી સતત ત્રીજી વખત સત્તામાં આવશે, તો તેઓ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાબૂદ કરશે.
કોંગ્રેસે ગયા અઠવાડિયે ગુજરાતમાં તેના લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. 27 એપ્રિલના રોજ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાર્ટીના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં વલસાડ લોકસભા સીટ હેઠળના ધરમપુરમાં જાહેર સભા કરી હતી, જ્યારે રાહુલ ગાંધીએ 29 એપ્રિલે પાટણમાં તેના ઉમેદવારના સમર્થનમાં રેલીને સંબોધી હતી.