(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસમાં ગુરુવાર,13 જુલાઇએ ઇન્ડિયન કમ્યુનિટીને સંબોધન કરતાં ચાર મુખ્ય જાહેરાત કરી હતી. તેમાં ફ્રાન્સમાં તમિલ કવિ અને સંત તિરુવલ્લુવરની પ્રતિમા સ્થાપિત કરવાની, ફ્રાન્સમાં માસ્ટર્સ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને 5 વર્ષના લાંબા ગાળાના પોસ્ટ સ્ટડી વિઝાની, ફ્રાન્સના માર્સિલેમાં નવું કોન્સ્યુલેટ ખોલવાની અને ફ્રાન્સમાં યુપીઆઇ મારફત ડિજિટલ પેમેન્ટનો પ્રારંભ કરવાનો સમાવેશ થાય છે. યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ (યુપીઆઇ)થી ભારતીય ટુરિસ્ટ રૂપિયામાં ચુકવણી કરી શકશે.

આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત આગામી 25 વર્ષમાં વિકાસના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. આજે દરેક આંતરરાષ્ટ્રીય એજન્સી કહી રહી છે કે ભારત આર્થિક વૃદ્ધિ કરી રહ્યું છે. તેમણે ફ્રાન્સમાં સ્થાયી થયેલા વિદેશીઓને ભારતમાં રોકાણ કરવાની અપીલ પણ કરી હતી. ફ્રાન્સ અને ભારતના લોકો વચ્ચેનું જોડાણ અને લોકો વચ્ચેનો પરસ્પર વિશ્વાસ આ ભાગીદારીનો સૌથી મજબૂત પાયો છે. નમસ્તે ફ્રાન્સ ફેસ્ટિવલ અહીં થાય છે, પછી ભારતમાં લોકો બોન્સુ ઈન્ડિયાનો આનંદ માણે છે. ભારત હાલમાં G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. કોઈ દેશની અધ્યક્ષતામાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે તે દેશના ખૂણે ખૂણે 200થી વધુ બેઠકો થઈ રહી છે. સમગ્ર G-20 જૂથ ભારતની ક્ષમતા પર નજર રાખી રહ્યું છે.

તેમણે કહ્યું કે ટૂંક સમયમાં ભારતીય પ્રવાસીઓ એફિલ ટાવરમાં પણ UPI પેમેન્ટ કરી શકશે. ફ્રાન્સમાં, UPI દ્વારા ચૂકવણી કરવા માટે એક કરાર થયો છે. તેની શરૂઆત એફિલ ટાવરથી થશે. આ કરાર ભારતીય ઈનોવેશન માટે એક વિશાળ નવું બજાર ખોલશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતનું UPI હોય કે અન્ય ડિજિટલ પ્લેટફોર્મ, તેઓ દેશમાં મોટું સામાજિક પરિવર્તન લાવ્યા છે. મને ખુશી છે કે ભારત અને ફ્રાન્સ પણ આ દિશામાં સાથે મળીને કામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફ્રાન્સમાં UPI લોન્ચ કરવા માટે ગયા વર્ષથી તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. 2022 માં, UPI સેવાઓ પૂરી પાડતી અગ્રણી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ફ્રાન્સની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ ‘Lyra’ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

 

LEAVE A REPLY