અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 દિવસ માટે “યમ નિયમ” સાથે ધાર્મિક અનુષ્ઠાન ચાલુ કર્યાં હતાં. તેમાં નિયમિત પ્રાર્થના અને યોગનો સમાવેશ થાય છે. વડા પ્રધાને શુક્રવારે એક સંદેશમાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરતા પહેલા શાસ્ત્રોમાં નિર્ધારિત ધાર્મિક વિધિઓનું પાલન કરવા વિશે લોકોને આ માહિતી આપી હતી.
આ ઐતિહાસિક પ્રસંગે પોતાની લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ હોવાનું જણાવીને વડાપ્રધાને જણાવ્યું હતું કે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ટાને માત્ર 11 દિવસ બાકી છે. હું ભાગ્યશાળી છું કે હું પણ આ શુભ પ્રસંગનો સાક્ષી બનીશ. ભગવાને મને સમારંભ દરમિયાન ભારતના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે એક માધ્યમ બનાવ્યો છે. આને ધ્યાનમાં રાખીને હું આજથી 11 દિવસની વિશેષ ધાર્મિક વિધિ શરૂ કરી રહ્યો છું. હું તમામ લોકો પાસેથી આશીર્વાદ માંગું છું.”
વડાપ્રધાને જણાવ્યું હતું કે આ આધ્યાત્મિક યાત્રાના કેટલાક તપસ્વીઓ અને મહાપુરુષો પાસેથી મને મળેલા માર્ગદર્શન અને તેમના દ્વારા સૂચવેલા નિયમો અનુસાર હું આજથી 11 દિવસના વિશેષ અનુષ્ઠાનનો પ્રારંભ કરી રહ્યો છું. આ પવિત્ર અવસર પર હું ભગવાનનાં ચરણોમાં પ્રાર્થના કરું છું. હું ઋષિઓ, મુનિઓ અને તપસ્વીઓના ગુણોને યાદ કરું છું અને હું જનતા જનાર્દનને પ્રાર્થના કરું છું કે જે ભગવાનનું સ્વરૂપ છે, તેઓ મને આશીર્વાદ આપે, જેથી મારા વિચારોમાં, શબ્દોમાં અને કાર્યોમાં કોઈ કમી ન રહે. આ મારું સદભાગ્ય છે કે હું મારા 11 દિવસનાં અનુષ્ઠાન નાસિક ધામ પંચવટીથી શરૂ કરી રહ્યો છું. પંચવટી એ પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાન શ્રી રામે ઘણો સમય વિતાવ્યો હતો. આજે મારા માટે એક સુખદ સંયોગ છે કે આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતી છે. સ્વામી વિવેકાનંદ એકમાત્ર એવા હતા જેમણે ભારતના આત્માને ઢંઢોર્યો હતો. આજે તે જ આત્મવિશ્વાસ ભવ્ય રામમંદિરનાં સ્વરૂપોમાં આપણી ઓળખ બનીને બધાની સામે છે.