વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)માં સુધારાની હાકલ કરી છે. આની સાથે સાથે તેમણે રસીઓ માટે તેની મંજૂરીની પ્રક્રિયાને સરળ બનાવવાની પણ હિમાયત કરી છે. તેમનું માનવું છે કે પૂરવઠાના ચેઇને જાળવી રાખવા અને તેને અનુમાનિત કરવા માટે રસી અને થેરાપેટિક્સ માટેની મંજૂરીની પ્રક્રિયાને સરળ બનાવવાની પણ તેમણે વાત કરી છે.
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેન દ્વારા આયોજિત કોવિડ અંગેના બીજી વૈશ્વિક કોવિડ વર્ચ્યુઅલ સમિટને સંબોધતાં મોદીએ ડબ્લ્યુટીઓના નિયમોને સરળ બનાવવાની અપીલ કરી હતી. જેમાં ખાસ કરીને ટ્રિપ્સ (ટ્રેડ રિલેટેડ એસ્પેક્ટ્સ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ)નો પણ સમાવેશ થાય છે. ભવિષ્યની આરોગ્ય કટોકટીની સ્થિતિઓનો સામનો કરવા એક મજબૂત વૈશ્વિક પ્રતિસાદની જરૂર છે. આપણે એક ફ્લેક્સિબલ ગ્લોબલ સપ્લાય ચેઇનનું નિર્માણ કરવું જોઇએ અને રસીઓ તેમજ દવાઓની સમાન પહોંચને સુનિશ્ચિત કરવા જોઇએ. કોવિડ-૧૯ મહામારી માટે ભારતની પ્રતિક્રિયા મામલે પીએમ મોદીએ ઉમેર્યું કે અમે આ મહામારીની વિરૂદ્ધમાં એક જન-કેન્દ્રિત રણનીતિ અપનાવી છે. અમે વાર્ષિક આરોગ્ય બજેટમાં અત્યારસુધીની સૌથી વધુ ફાળવણી કરી છે. અમારો રસીકરણ કાર્યક્રમ દુનિયામાં સૌથી મોટો છે. અમે આશરે ૯૦ ટકા વયસ્ક વસતિ અને પાંચ કરોડથી વધુ બાળકોને રસી આપી છે. તમામને રસીઓ અને દવાઓ મળી રહે તે માટે એક અવરોધ વગરની સપ્લાય ચેઇન મળી રહે તે જરૂરી છે. જોકે તેમણે વૈશ્વિક આરોગ્ય સલામતી માટે ડબલ્યુએચઓમાં સુધારાની તરફેણ કરી હતી.