વિરોક્ષ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીનો મુદ્દો ઉઠાવી રહ્યાં છે ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા અજિત પવારે જણાવ્યું હતું કે દેશમાં વડાપ્રધાનની શૈક્ષણિક ડિગ્રી નહીં, પરંતુ મોંઘવારી અને બેકારી વધુ મહત્ત્વના મુદ્દા છે. તેમણે લોકસભાની 2014માં ભાજપની જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માને શ્રેય આપતા સવાલ કર્યો હતો કે શું લોકોએ મોદીની ડિગ્રીને જોઇને ભાજપને વોટ આપ્યા હતા.
અજિત પવારની આ ટિપ્પણી સાથી પક્ષ શિવસેના (UBT)થી તદ્દન અલગ છે. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે અગાઉ જણાવ્યું હતું કે પીએમ મોદીએ તેમની શૈક્ષણિક લાયકાત વિશે માહિતી આપવી જોઇએ અને સંસદભવનનાં પ્રવેશદ્વાર પર તેમની ડિગ્રી દર્શાવવી જોઈએ.
વિપક્ષ પીએમની શૈક્ષણિક લાયકાતનો મુદ્દો ઉઠાવી રહ્યો હોવાના એક પ્રશ્નના જવાબમાં અજિત પવારે જણાવ્યું હતું કે 2014માં લોકોએ ડિગ્રી જોઈને મોદીને મત આપ્યા હતા? 2014માં મોદીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી કરિશ્મા બનાવ્યો હતો. આનો સંપૂર્ણ શ્રેય નરેન્દ્ર મોદી સાહેબને આપવો જોઈએ. અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે પીએમનું ડિગ્રી સર્ટિફિકેટ માગવા બદલ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને રૂ.25,000નો દંડ ફટકાર્યો હતો.
એનસીપીના નેતાએ જણાવ્યું હતું કે ડિગ્રીમાં શું છે? અત્યાર સુધી આપણી લોકશાહીમાં સંસદમાં બહુમતી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લોકસભામાં જેની પાસે બહુમતી હોય તે પ્રધાનમંત્રી બને છે. તેવી જ રીતે આપણા રાજ્યમાં જે પણ 145-146 બેઠકો મેળવે છે તે મુખ્યપ્રધાન બને છે. મેડિકલ ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરવા માટે વ્યક્તિએ MBBS અથવા અન્ય સમાન ડિગ્રી મેળવવી પડે છે, પરંતુ રાજકારણમાં આવું નથી.