Modi will visit America on June 22, Biden will host dinner
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનની ફાઇલ તસવીર TWITTER PHOTO POSTED BY @PMOIndia (PTI Photo)

વ્હાઇટ હાઉસે બુધવારે (10) જાહેરાત કરી હતી કે યુએસ પ્રમુખ જો બાઇડન 22 જૂને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર મુલાકાતના યજમાન બનશે. આ મુલાકાતથી બંને રાષ્ટ્રો વચ્ચેની મજબૂત અને વ્યાપક ભાગીદારી વધુ મજબૂત બનશે. બંને દેશો વ્યૂહાત્મક ભાગીદારો છે અને અમને આશા છે કે વિશ્વની બે મહાન લોકશાહી એક નવા યુગની શરૂઆત કરશે.

મોદીની અમેરિકાની આ પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. તેમણે 2021માં વ્હાઇટ હાઉસ ખાતે બાઇડનની મુલાકાત લીધી હતી, પરંતુ આ મુલાકા ક્વાડ સમીટના ભાગરૂપે યોજાઈ હતી.

આ વખતે ભારતે સંપૂર્ણ સત્તાવાર મુલાકાત માટે દબાણ કર્યું હોવાનું માનવામાં આવે છે. આ પ્રવાસમાં સત્તાવાર રાત્રિભોજનનો સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે “નેતાઓ એજ્યુકેશન એક્સ્ચેન્જ અને અને લોકો વચ્ચેના સંપર્ક વધુ વિસ્તૃત કરવાના માધ્યમોની ચર્ચા વિચારણા કરશે. બંને નેતોઓ આબોહવા પરિવર્તન, વર્કફોર્સ ડેવલપમેન્ટ અને આરોગ્ય સુરક્ષા માટેના સામાન્ય પડકારોનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવા અંગે ચર્ચા કરશે.

ન્યૂયોર્કમાં વડાપ્રધાન મોદી યુએન હેડક્વાર્ટરમાં વિશ્વ યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પછી મોદી શિકાગોમાં ભારતીય સમુદાય સાથેના એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ બેઠક પહેલા મે મહિનામાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ક્વાડ બેઠક દરમિયાન મોદી અને બાઇડન પણ મળશે. ક્વોડ દેશોની આ બેઠકમાં જાપાન અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ પણ હાજર રહેશે. તે જ સમયે, ભારત 9-10 સપ્ટેમ્બરના રોજ G-20 સમિટની પણ યજમાની કરવા જઈ રહ્યું છે, જેમાં બાઇડન પણ હાજરી આપશે.

મુલાકાત દરમિયાન મોદી અને બાઇડન વચ્ચે વેપાર, ટેકનોલોજી, શિક્ષણ, ઉદ્યોગ, સ્વચ્છ ઉર્જા, સંરક્ષણ, સુરક્ષા, આરોગ્ય, સંશોધન સહિત સામાન્ય હિતના દ્વિપક્ષીય મુદ્દાઓની સમીક્ષા થશે. તેમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ ભારત-યુએસ ગઠબંધનને મજબૂત કરવા અને G20 સહિત બહુપક્ષીય મંચોમાં સહયોગ વધારવાના માર્ગો શોધશે.

LEAVE A REPLY