વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંધાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની 22મી શિખર બેઠકમાં હાજરી આપવા માટે 15-16 સપ્ટેમ્બરે ઉઝબેકિસ્તાનની મુલાકાતે જશે. ઉઝબેકિસ્તાનના પ્રેસિડન્ટ શાવકાત મિર્ઝીયોયેવે વડાપ્રધાન મોદીને આ બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું.
આ સમીટમાં વડાપ્રધાન મોદીની ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે બેઠક થવાની ધારણા છે, જે એપ્રિલ 2020માં ભારત ચીન વચ્ચેની વાસ્તવિક અંકુશ રેખા પર સૈનિકોના સંધર્ષ પછીની પ્રથમ મુલાકાત હશે. આ ઉપરાંત યુક્રેન પર રશિયાના આક્રમણ પછી મોદી અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન વચ્ચે પણ બેઠક થવાની ધારણા છે.
એસસીઓ સમીટમાં એસસીઓના સભ્ય દેશો, નિરીક્ષક દેશો, એસસીઓના મહામંત્રી, એસસીઓ રિજનરલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને તુર્કમેનિસ્તાનના પ્રેસિડન્ટ સહિતના નેતાઓ હાજરી આપશે. આ સમીટમાં નેતાઓ છેલ્લાં બે દાયકાની સંગઠનની પ્રવૃત્તિઓની સમીક્ષા કરશે અને ભવિષ્યમાં બહુપક્ષીય સહકારની સ્થિતિ અને શક્યતાની વિચારણા કરશે. પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓની પણ આ બેઠકમાં ચર્ચાવિચારણા થવાની ધારણા છે. વડાપ્રધાન મોદી સમીટ દરમિયાન કેટલીક દ્વિપક્ષીય બેઠકો પણ યોજે તેવી શક્યતા છે.
ભારતના વિદેશ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસસીઓની કોરોના મહામારી પછીની પ્રથમ રૂબરુ સમીટમાં હાજરી આપવા આ સપ્તાહે સમરકંદની મુલાકાત લેશે.