મોરબી દુર્ઘટનાના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 1 નવેમ્બરે મોરબીમાં દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. રવિવાર 30 ઓક્ટોબરે થયેલી આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. વડાપ્રધાન મોદીએ એસપી કચેરીએ જિલ્લાના વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી.
મોદીએ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને ઘાયલોના ખબર અંતર પૂછ્યા હતા. વડાપ્રધાન મોદી દુર્ઘટનાગ્રસ્ત ઝૂલતા પુલનું નિરીક્ષણ કરી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઘટનાસ્થળેથી તેમણે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી પાસેથી માહિતી મેળવી હતી. ગૃહપ્રધાન હર્ષ સંઘવી આ ઘટનાનું વર્ણન કરે તે સમયે મોદીના ચહેરા પર આક્રોશ અને ગુસ્સા જોવા મળ્યા હતા. તેમણે રેસ્ક્યુ ઓપરેશન કરનાર આર્મી, NDRF, SDRFની ટીમો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો અને સમજ્યા હતા કે શું મુશ્કેલીઓનો સામનો તેમને કરવો પડ્યો હતો.
વડાપ્રધાનની સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. મોદીની મુલાકાતને પગલે સિવિલ હોસ્પિટલમાં દર્દી સિવાય અન્ય લોકોને પ્રવેશ બંધ કરાયો હતો અને આસપાસના રોડ રસ્તા પર પણ વધારાની અવરજવર બંધ કરાઇ હતી.
મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 135 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ઘણા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. દુર્ઘટનાના ત્રીજા દિવસે પણ સર્ચ-ઓપરેશન ચાલુ રહ્યું હતું. . NDRF, SDRFની ટીમો સાથે આર્મી, નેવી અને એરફોર્સ સહિતની આર્મીની ત્રણેય પાંખ સતત સર્ચ-ઓપરેશન કરી રહી છે. પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ મંગળવારે જણાવ્યું હતું કે, હજુ બે લોકો ગુમ છે. જેમને શોધવાની કામગીરી ચાલુ છે.