વિપક્ષ શાસિત રાજ્યોમાં ઇંધણના ઊંચા ભાવની ટીકા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પ્રજાના લાભ માટે રાષ્ટ્રીય હિતમાં વેટમાં ઘટાડો કરવાનો આવા રાજ્યોને અનુરોધ કર્યો છે. મોદીએ વૈશ્વિક કટોકટીના સમયમાં સહકારપૂર્ણ સંઘિય માળખાની ભાવનામાં કામ કરવાની પણ અપીલ કરી છે.
કેન્દ્ર સરકારે નવેમ્બરમાં પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડા કર્યા બાદ રાજ્યોને પણ વેટમાં ઘટાડો કરવાની સૂચના આપી હતી. પરંતુ ઘણા રાજ્યોએ આ સૂચનાનું પાલન કર્યું ન હતું. તેથી મોદીએ આ મુદ્દાનો ઉઠાવીને તેને રાજયના લોકો સાથે અન્યાય અને પડોશી રાજ્યો માટે નુકસાનકાર ગણાવ્યો હતો.
વડાપ્રધાને કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથેની બેઠકના સમાપન વખતે ઇંધણના ભાવના મુદ્દા પર ફોકસ કર્યું હતું. ઇંધણના ભાવવધારાથી ફુગાવાને પણ વેગ મળ્યો છે.
યુક્રેન પર રશિયાના હુમલાનો દેખિતો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે યુદ્ધથી અસરગ્રસ્ત વૈશ્વિક સ્થિતિમાં ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સહકારપૂર્ણ સંધિય માળખાને વેગ આપવા જરૂર છે. તેમણે આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારા સહકારની પણ હાકલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે સપ્લાઇ ચેઇનને અસર થઈ છે અને પડાકારો ઊભા થયા છે. કેન્દ્ર સરકારે પ્રજા પરના બોજમાં ઘટાડો કરવા માટે નવેમ્બરમાં પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો તથા રાજ્યોને પણ વેટમાં ઘટાડો કરવાનો અનુરોધ કર્યો હતો, જેથી લોકોને લાભ થઈ શકે છે. જોકે કેટલાંક રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો નથી.
કેન્દ્રની સૂચના બાદ મોટાભાગે ભાજપ શાસિત રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો હતો. વિપક્ષ શાસિત મોટાભાગના રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો નથી અને આમ આદમી પાર્ટીએ મોડેથી દિલ્હીમાં વેટમાં ઘટાડો કર્યો હતો.
રાજ્યોના મુખ્યપ્રધાનો સાંભળી રહ્યાં હતા ત્યારે મોદીએ જણાવ્યું હતું કે “હું કોઇની ટીકા કરતો નથી, પરંતુ હું તમારા રાજ્યોના લોકોના કલ્યાણ માટે તમને વિનંતી કરું છું. લોકોને લાભ આપવામાં છ મહિનાના વિલંબ પછી પણ હવે વેટમાં ઘટાડો કરવાની હું તમને વિનંતી કરું છું.”
મોદીએ જણાવ્યું હતું કે ચેન્નાઇ, જયપુર, હૈદરાબાદ, કોલકતા અને મુંબઈમાં પેટ્રોલના ભાવ લિટરદીઠ રૂ.111, રૂ.118, રૂ.119, રૂ.115 અને રૂ.120 છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણમાં ભાવ રૂ.102 છે. લખનૌમાં ભાવ રૂ.105, જમ્મુમાં રૂ.106, ગોહાટીમાં રૂ.105 અને દહેરાદૂનમાં રૂ.103 છે.