ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હી સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતી. વડાપ્રધાન મોદીએ ભારત બાયોટેકની બનાવેલી સ્વદેશી કોરોના વેક્સીન કોવેક્સિન લીધી હતી. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવાયેલી કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સીનના ઉપયોગને મંજૂરી મળેલી છે. મોદીએ કોવેક્સિન લગાવીને આ વેક્સીન સાથે જોડાયેલી આશંકાને દૂર કરી છે.
વેક્સીન લીધા બાદ વડાપ્રધાનને વેક્સીન માટે પાત્રતા ધરાવતા તમામ લોકોને વેક્સીન લેવાનો અને સાથે મળીને દેશને કોરોનામુક્ત કરવાનો અનુરોધ કર્યો હતો. મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મે એઇમ્સમાં વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. કોરોના સામેની વૈશ્વિક લડાઈમાં આપણા ડોક્ટર્સ અને વિજ્ઞાનીઓએ નોંધપાત્ર કામગીરી બજાવી છે.
વડાપ્રધાન મોદીને પુડ્ડુચેરીની મુખ્ય નર્સ પી. નિવેદા અને કેરળની સાથી નર્સ રોસાએ વેક્સીન આપી હતી. મુખ્ય નર્સ નિવેદાએ મીડિયાને જણાવ્યું કે, રસી લેવા આવેલા વડાપ્રધાન મોદીએ તેમની સાથે સામાન્ય વાતચીત કરી હતી અને તેમણે તેમનું નામ અને ક્યાંથી આવે છે જે અંગે પૂછ્યું હતું. રસી લીધા બાદ મોદીએ કહ્યું હતું કે, ‘લગા ભી દિઆ ઔર પતા ભી નહીં ચલા’
ભારતમાં રસીકરણ અભિયાન શરુ થયું ત્યારે કોંગ્રેસ સહિત વિપક્ષ દ્વારા સવાલ કરવામાં આવતો હતો કે સરકારમાં જોડાયેલા લોકો શા માટે રસી નથી લેતા? કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ જણાવ્યું હતું કે કે જો વેક્સીન એટલી વિશ્વાસપાત્ર છે તો ભાજપના નેતા સૌથી પહેલા તે લગાવી લે. ઘણાં રાષ્ટ્રીય પક્ષોએ વડાપ્રધાન મોદી રસી ક્યારે લેશે તેવા સવાલ કર્યા હતા. કોંગ્રેસના લોકસભા સાંસદ શશિ થરુરે પણ કોવેક્સીન રસી પર સવાલ ઉઠાવ્યા હતા.