યુરોપની ત્રણ દિવસની મુલાકાતના ભાગરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (2મે)એ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળ્યા હતા. આ બેઠકમાં બંને નેતાઓ દ્વિપક્ષીય સહકારમાં વધારો કરવાની ચર્ચા કરી હતી. આ અગાઉ બર્લિનમાં વડાપ્રધાન મોદીનું ઇન્ડિયન કમ્યુનિટીના સભ્યોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
જર્મન ચાન્સેલર સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ યુદ્ધમાં કોઈપણ પક્ષનો વિજય થશે નહીં. યુક્રેન સંકટના આરંભથી જ અમે તરત જ યુદ્ધવિરામનું આહવાન કર્યું હતું અને એ વાત પર જોર આપ્યું હતું કે, વિવાદના ઉકેલ માટે વાતચીત જ એકમાત્ર ઉપાય છે. અમારું માનવું છે કે, આ યુદ્ધમાં કોઈ વિજયી પાર્ટી નહીં હોય.
જર્મનીના ચાન્સેલરે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન હત્યાઓ અટકાવવા માટે કહ્યું હતું અને યુક્રેનમાંથી સૈન્ય પરત ખેંચી લેવા માટે જણાવ્યું હતું. આ સાથે તેઓએ કહ્યું હતું કે, રશિયાએ આંતરરાષ્ટ્રીય કાયદાના મૂળભૂત નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
જર્મનીથી મોદી 3મેએ ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટી ફ્રેડરિકસેનના આમંત્રણને પગલે કોપનહેગન ગયા હતા અને ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટી ફ્રેડેરિકસેનને કોપનહેગનમાં મળ્યા હતા. ડેનમાર્કમાં તેઓ ઇન્ડો-નોર્ડિક સમીટમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી આ યાત્રા દરમિયાન ઇન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ ફોર્મેટમાં ભાગ લેશે અને ઇન્ડિયન કમ્યુનિટીના સભ્યોને સંબોધન કરશે. ઇન્ડિયા નોર્ડિક સમીટમાં મોદી નોર્ડિક દેશોના વડાઓ સાથે મંત્રણા કરશે, જેમાં આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડના વડાનો સમાવેશ થાય છે. આ સમીટમાં આર્થિક રિકવરી, ક્લાઇમેટ ચેન્જ, ઇનોવેશન એન્ડ ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી, વૈશ્વિક સુરક્ષા અને ઇન્ડિયા નોર્ડિક સહકાર જેવા મુદ્દા પર ફોકસ કરાશે.
અગાઉના ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી 2થી 4મે દરમિયાન ત્રણ દિવસ માટે જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની યાત્રા પર જશે. ચાલુ વર્ષે મોદીની પ્રથમ વિદેશ યાત્રા છે. વડાપ્રધાન મોદી 4મે પરત આવતી વખતે પેરિસમાં થોડા સમય માટે રોકાશે અને ફ્રાન્સમાં ફરીથી ચૂંટાઈ આવેલા પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન સાથે બેઠક કરશે.