ભારત 1 ડિસેમ્બરથી G20નું પ્રમુખપદ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા G20ના નવા લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન લોગો અને થીમ સાથે સંબંધિત એક નાનો વીડિયો પણ જારી કરાયો હતો, જેમાં ભારતની વધતી ક્ષમતા દર્શાવવામાં આવી હતી.
આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે 1 ડિસેમ્બરથી ભારત G20ની અધ્યક્ષતા કરશે. ભારત માટે આ એક ઐતિહાસિક અવસર છે, તેથી આજે આ સમિટની વેબસાઈટ, થીમ અને લોગો લોન્ચ કરવામાં આવ્યો છે. આ અવસર પર હું તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. G-20નો આ લોગો માત્ર એક પ્રતીક નથી, પરંતુ તે એક સંદેશ છે. તે એક ભાવના છે જે આપણી નસોમાં છે. આ એક સંકલ્પ છે, જે આપણા વિચારમાં સમાવિષ્ટ છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે G20 એ દેશોનું ગ્રૂપ છે જેની આર્થિક ક્ષમતા વિશ્વના GDPના 85%નું પ્રતિનિધિત્વ કરે છે. G20 એ 20 દેશોનું ગ્રૂપ છે, જે વિશ્વના 75% વેપારનું પ્રતિનિધિત્વ કરે છે અને ભારત હવે G20 જૂથનું નેતૃત્વ કરવા જઈ રહ્યું છે.
G-20 લોગોમાં દર્શાવવામાં આવેલા કમળના ફૂલ અને થીમ ‘વસુધૈવ કુટુંબકમ’ વિશે વડાપ્રધાને કહ્યું હતું કે આ લોગોમાં કમળનું ફૂલ ભારતની શ્રદ્ધા, પૌરાણિક વારસો અને બૌદ્ધિકતાને દર્શાવે છે. વડા “કમળ પરની સાત પાંખડીઓ વિશ્વના સાત ખંડો અને સંગીતના સાત સુરોનું પ્રતિનિધિત્વ કરે છે.
‘વસુધૈવ કુટુંબકમ’ના મંત્ર દ્વારા આપણે જે વિશ્વ ભાઈચારાનો વિચાર મુકી રહ્યા છીએ તે આ લોગો અને થીમમાં પ્રતિબિંબિત થાય છે, એમ વડાપ્રધાને જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યુ કે, ધ્રુવીકૃત વિશ્વને એકસાથે લાવવાની આ અનોખી થીમ સાથે ભારત G20નું પ્રમુખપદ સંભાળશે. ભારતનું G-20 પ્રમુખપદ સંકટ અને અરાજકતાના સમયમાં આવ્યું છે. વિશ્વ વૈશ્વિક રોગચાળા, સંઘર્ષો અને ઘણી આર્થિક અનિશ્ચિતતાની વિનાશક અસરોનો સામનો કરી રહ્યું છે. ત્યારે G-20 લોગોમાં કમળ આવા મુશ્કેલ સમયમાં આશાનું પ્રતીક છે.
મોદીએ કહ્યું કે આ લોગો અને થીમ દ્વારા અમે દુનિયાને એક સંદેશ આપ્યો છે. યુદ્ધ માટે બુદ્ધ દ્રારા આપવામાં આવેલ સંદેશ દ્વારા ભારત તેની વૈશ્વિક પ્રતિષ્ઠાનું નવીકરણ કરી રહ્યું છે. ભારત 1 ડિસેમ્બર, 2022 થી 30 નવેમ્બર, 2023 સુધી પ્રથમ વખત G20 ની અધ્યક્ષતા કરશે. આ દરમિયાન દેશભરમાં 200થી વધુ બેઠકો યોજાશે. અમેરિકા, ચીન અને રશિયા તેના સભ્ય દેશો છે. આ સાથે યુરોપિયન યુનિયન પણ તેનું સભ્ય છે.