ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મેએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યોજાનાર ક્વાડ દેશોના વડાઓ સાથે શિખર સંમેલનમાં ભાગ લશે, જેમાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડનની સાથે ઓસ્ટ્રેલિયા અને જાપાનના વડાઓ ઉપસ્થિત રહશે. ઓસ્ટ્રેલિયાની યાત્રાએ જતા પહેલા મોદી 19થી 21 મે સુધી વિકસિત અર્થવ્યવસ્થાઓ ધરાવતા દેશોના ગ્રૂપ જી-7ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જાપાનના શહેર હિરોશીમા જઈ શકે છે.
ગયા મહિને ભારતની યાત્રાએ આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જી-7 ગ્રૂપની બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. ક્વાડ – ચાર દેશોના એક સુરક્ષા સંવાદનું જૂથ છે, જેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ સિડનીમાં 24 મેએ ક્વાડની બેઠકમાં ભારત, અમેરિકા, જાપાનના નેતાઓનું સ્વાગત કરવા ઉત્સુક છે. અલ્બનીઝના ટ્વીટનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી કે શિખર બેઠક સ્વતંત્ર, મુક્ત અને સમાવેશી હિન્દ પેસિફિક ક્ષેત્ર સુનિશ્ચિત કરવાના પ્રયાસને ગતિ પ્રદાન કરશે.