ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે.ત્રણેય મુખ્ય પક્ષો પ્રચારમાં જોતરાઇ ગયો છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકોથી ગુજરાત ગજવવા આવી રહ્યા છે. ભાજપના સૌથી મોટા સ્ટાર પ્રચારક વડાપ્રધાન મોદી 19 નવેમ્બરથી ત્રણ દિવસ ગુજરાતમાં પ્રસાર-પ્રચાર કરીને સભાઓ સંબોધશે. રાજ્યની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પણ ભરાઈ ગયા છે.
27 વર્ષથી સત્તા પર રહેલા ભાજપે પ્રચંડ બહુમતીથી વિજય મેળવવા કમર કસી છે. ગુજરાતમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર યુદ્ધમાં મુખ્ય સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ પ્રચારસભાઓ ગજવશે. વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમ મુજબ ૧૯મીને શનિવારે સાંજે દમણ ખાતે ઉતરાણ કરશે અને રોડ શો યોજશે. આ પછી વાપીમાં નાનો રોડ શો યોજી વલસાડમાં જાહેરસભા સંબોધી રાત્રિ રોકાણ કરશે. મોદી ૨૦મીએ સવારે સીધા સોમનાથ પહોંચી સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવશે. વડાપ્રધાન વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદ ખાતે દિવસ દરમિયાન સભાઓ ગજવી ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે. ૨૧મીએ સવારે સુરેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં સભાઓ ગજવી પરત નવી દિલ્હી જશે.