ગુજરાતમાં કેવડીયા નર્મદા ખાતે 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થશે. વડાપ્રધાન મોદી 30 અને 31 ઓક્ટોબર આમ બે દિવસ કેવડીયાના પ્રવાસે હોવાથી પ્રવાસન સ્થળ 5 દિવસ બંધ રહેશે. 28મીથી 1 નવેમ્બર સુધી કેવડીયાના તમામ પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઈટ પર નોટિસ મૂકીને ઓનલાઈન ટિકિટ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
સૂત્રો મુજબ 30 ઓક્ટોબરના રોજ મોદી કેવડીયા પહોંચશે.સાંજે નર્મદા આરતી કરીને ઘાટનું લોકાર્પણ કરશે અને કેવડીયામાં રાત્રિ રોકાણ કરશે.31મી ઓક્ટોબર એટલે સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે કેવડીયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રાષ્ટ્રીય એકતાની ઉજવણીમાં સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે.
કેન્દ્ર સરકારના ગૃહ સચિવ અજય ભલ્લાએ રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની જવણી માટે થઈ રહેલી તૈયારીઓ અને કામગીરીની સમીક્ષા માટે કેવડીયાની મુલાકાત લીધી હતી અને મોદીના કાર્યક્રમો સંદર્ભે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી. આ બેઠકમાં ઈન્ટેલીજન્સ બ્યૂરોના ડિરેક્ટર, સીઆરપીએફના ડીજી, એમએચએના જોઈન્ટ ડિરેક્ટર સહિત રાજ્ય સરકારના સંબંધિત વિભાગના સનધી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.