Modi spoke to Sunak on phone: demanded action against anti-India elements
ફાઇલ તસવીર (ANI Photo)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત ગુરૂવારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે ફોન પર વાતચીત કરીને યુકે ખાતેના ભારતીય હાઇકમિશનની સલામતીનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. આ ઉપરાંત મોદીએ લંડનમાં ભારતીય હાઇ કમિશન પર હુમલો કરનારાઓ સહિતના ભારતવિરોધી તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગણી પણ કરી હતી.
સુનક સાથેની વાતચીતમાં મોદીએ યુકેમાં હાલ આશ્રય લઇ રહેલા ભારતના આર્થિક ભાગેડૂ ગુનેગારોની વહેલી તકે ભારતને સોંપણી કરવા પણ સુનકને જણાવ્યું હતું.
ભારતીય સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, સુનકે મોદીને જણાવ્યું હતું કે લંડનમાં ભારતીય હાઇ કમિશન પર થયેલો હુમલો ચલાવી લેવાશે નહીં અને તેની સલામતી માટે પૂરતાં પગલાં લેવાશે.
આ દરમિયાન ઋષિ સુનકે ભારતની અધ્યક્ષતામાં ચાલી રહેલા G20 કોન્ફરન્સ માટે બ્રિટનના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. મોદીએ તેમના બ્રિટિશ સમકક્ષને પણ બૈસાખીની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવી હતી.
તાજેતરમાં જ લંડનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય હાઈ કમિશન પરિસરમાં તોડફોડ કરી હતી. આ પછી ભારતે સખત વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ અસ્વીકાર્ય છે. ભારતે બ્રિટિશ સરકાર પર હાઈ કમિશનની સુરક્ષાને લઈને પણ આરોપ લગાવ્યા હતા.
બંને નેતાઓએ સંખ્યાબંધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર થયેલી પ્રગતિની સમીક્ષા કરી, ખાસ કરીને વેપાર અને આર્થિક ક્ષેત્રના સહયોગથી સંબંધિત. ભારત-યુકે રોડમેપ 2030માં હાજર અનેક દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સની સમીક્ષા સાથે બંને દેશો વચ્ચે પરસ્પર લાભદાયી મુક્ત વ્યાપાર કરારને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

LEAVE A REPLY