ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને બારડોલી સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલો ચરખો કાંત્યો હતો. આ મહોત્સવમાં 7500 મહિલા ખાદી-કારીગરો એક જ સમયે એકસાથે ચરખો કાંત્યોને રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે ખાદી ગ્રામોદ્યોગના નવીન કાર્યાલયનું પણ તેમણે ઇ-લોકાર્પણ કર્યું હતું.
ખાદી મહોત્સવમાં સંબોધન કરતાં મોદીએ કહ્યું કે દુનિયાના ક્લોથ માર્કેટમાં ભારતની ખાદી છવાઇ જશે તેવું હું જોઇ રહ્યો છું. વિદેશ જનારા ખાદીની નાની પ્રોડક્ટ સાથે લઇ જાય તેવી પણ અપીલ કરી હતી. ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશનનું અભિયાન ૨૦૧૪થી વધુ આગળ વધ્યું છે અને દેશભરમાં ખાદી સાથે સંકળાયેલી સમસ્યા દૂર કરી છે. ૮ વર્ષમાં ખાદીનું ખરીદ-વેચાણ ચાર ગણું વધ્યું છે અને પહેલી વખત ટર્ન ઓવર એક લાખ કરોડથી વધુ થયું છે.
તેમણે જણાવ્યું હતું કે ચરખો ચલાવવો તે ભાવુક પળ-બચપણમાં માતા આર્થિક ઉપાર્જન માટે કાંતતી હતી. આઝાદીના 75 વર્ષ નિમિત્તે 7,500 બહેનો-દીકરીઓએ ચરખા પર સૂતર કાંતીને ઈતિહાસ રચ્યો છે. ચરખા કાંતતા મને મારા બાળપણના દિવસો યાદ આવી ગયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ખાદી આપણી વિરાસતનું અભિન્ન અંગ છે અને તેની ઉપર ગર્વ કરીશું તો દુનિયા પણ માન આપશે. જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલે છે તે દેશ નવો ઇતિહાસ રચી શકતો નથી. ક્લાઇમેટ ચેન્જના કારણે તાપમાન વધુ રહે છે તેવા દેશોમાં જે પરિસ્થિતિ સર્જાઇ છે તેમાં ખાદીને લોકલથી ગ્લોબલ થવામાં કોઇ શક્તિ રોકી શકશે નહીં તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આગામી તહેવારોમાં ખાદીમાંથી બનેલું એક વસ્ત્ર કે ઉત્પાદન ભેટમાં આપવા માટે વડાપ્રધાને નાગરિકોને અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીએ દેશના સ્વાભિમાન સાથે ખાદીને જોડી હતી તેને આઝાદી પછી હીન ભાવનાથી જોડવામાં આવી તેના કારણે ખાદી ગ્રામોદ્યોગ તબાહ થયો, જે ગુજરાત માટે પીડાજનક વાત હતી.