વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે મંદિરોમાં તોડફોડની ઘટનાઓ પછી ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને ભારતીય સમુદાયની સુરક્ષાની ખાતરી આપી છે.
મોદીએ મીડિયાને સંબોધિત કરતી વખતે કહ્યું હતું “તે અફસોસની બાબત છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઓસ્ટ્રેલિયાથી મંદિરો પર હુમલાના અહેવાલો નિયમિતપણે આવી રહ્યા છે. તે સ્વાભાવિક છે કે આવા સમાચારથી ભારતમાં દરેકને ચિંતા થાય છે અને આપણું મનમાં ખલેલ પહોંચાડે છે. મેં આ લાગણીઓ અને ચિંતાઓ વડા પ્રધાન અલ્બેનીઝને જણાવી અને તેમણે મને ખાતરી આપી છે કે ભારતીય સમુદાયની સુરક્ષા તેમના માટે વિશેષ પ્રાથમિકતા છે. અમારી ટીમો આ બાબતે નિયમિત સંપર્કમાં રહેશે, અને શક્ય તેટલો સહયોગ કરશે.
ગયા અઠવાડિયે, બ્રિસ્બેનમાં એક અગ્રણી હિન્દુ મંદિર શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં બે મહિનામાં હિન્દુ મંદિરો સામે તોડફોડની આ ચોથી ઘટના હતી.
23 જાન્યુઆરીના રોજ મેલબોર્નના આલ્બર્ટ પાર્કમાં ઇસ્કોન મંદિરની દિવાલો પર ભારત વિરોધી સુત્રો લખાયા હતા 16 જાન્યુઆરીએ, વિક્ટોરિયાના કેરમ ડાઉન્સમાં ઐતિહાસિક શ્રી શિવ વિષ્ણુ મંદિરમાં પણ આવી જ રીતે તોડફોડ કરવામાં આવી હતી 12 જાન્યુઆરીના રોજ, મેલબોર્નમાં સ્વામિનારાયણ મંદિરને ‘અસામાજિક તત્વો’ દ્વારા ભારત વિરોધી ગ્રેફિટીથી વિકૃત કરવામાં આવ્યું હતું.