યુક્રેનમાં યુદ્ધની વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારની રાત્રે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે આશરે 25 મિનિટ સુધી ટેલિફોન પર વાતચીત કરી હતી. આ વાતચીતમાં મોદીએ ભારતની ચિંતાઓ અંગે પુતિને માહિતગાર કર્યા હતા અને મંત્રણા મારફત સમસ્યાનો ઉકેલ લાવવાનો તમામ પક્ષોને અનુરોધ કર્યો હતો. અગાઉ ભારત ખાતેના યુક્રેનના રાજદૂતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતા ગણાવીને રશિયાના પ્રેસિડન્ટ સાથે વાતચીત કરવા માટે અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાને મોદીએ હિંસાનો તાત્કાલિક અંત લાવવાની અપીલ કરી હતી. મ મોદીએ રાજદ્વારી વાતચીતના રસ્તે પાછા ફરવા માટે બધા પક્ષોને નક્કર પ્રયાસ કરવાનું આહવાહન કર્યું. વડાપ્રધાને ખાસ કરીને યુક્રેનમાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ ભારતની ચિંતાઓને વ્યક્ત કરી હતી.
પ્રેસિડન્ટ પુતિને વડાપ્રધાનને મોદીને યુક્રેનના સંબંધમાં હાલના ઘટનાક્રમની જાણકારી આપી હતી. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, રશિયા અને નાટો જૂથની વચ્ચે મતભેદોને માત્ર વાતચીતના માધ્યમથી જ ઉકેલી શકાય છે. પીએમ મોદી અને પ્રેસિડન્ટ પુતિને સંમતિ વ્યક્ત કરી કે, તેમના અધિકારી અને ડિપ્લોમેટ્સ સામયિક હિતોના મુદ્દા પર નિયમિત સંપર્ક જાળવી રાખશે.