વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયોને આગામી દોઢ વર્ષમાં મિશન મોડને આધારે 10 લાખ લોકોની ભરતી કરવાની તાકીદ કરી છે. સરકારના તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંશાધનની સ્થિતિની સમીક્ષા બાદ મોદીએ આ આદેશ આપ્યો છે, એમ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ મંગળવારે જણાવ્યું હતું.
કોરોના મહામારી બાદ અનેક લોકોએ રોજગારી ગુમાવી હતી અને તેનાથી વિપક્ષો બેરોજગારીના મુદ્દે સતત સરકારની આકરી ટીકા કરતા હતા. સરકારના વિવિધ વિભગોમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડી છે. આવા સમયે વડાપ્રધાનને આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે.
આગામી 18 મહિનામાં 10 લાખ જગ્યાઓ ભરવાના નિર્ણયનો અર્થ એવો થાય છે કે ભાજપને 2024ની લોકસભાની ચૂંટણીમાં બેરોજગારીના મુદ્દે વિપક્ષના હુમલાનો સામનો કરવામાં ઘણા અંશે મદદ મળશે. આજથી 18 મહિના પછી દેશમાં લોકસભાની ચૂંટણીઓની તૈયારી ચાલુ થઈ જશે, કારણ કે 2024ના એપ્રિલ-મે મહિનામાં તેની ચૂંટણીઓ યોજાશે.
પીએમઓએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવબળની સ્થિતિની સમીક્ષા કરી છે અને તાકીદ કરી છે કે આગામી 1.5 વર્ષમાં સરકાર મિશન મોડને આધારે 10 લાખ લોકોની ભરતી કરે.
વેતન, ભથ્થા ખર્ચ અંગેના વિભાગના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ 31 માર્ચ 2020ના રોજ કેન્દ્ર સરકાર(કેન્દ્રશાસિત પ્રદેશ સહિત)ના રેગ્યુલર કર્મચારીઓની કુલ સંખ્યા 31.91 લાખ હતી. આની સામે કુલ 40.78 લાખ જગ્યાઓને મંજૂરી આપવામાં આવેલી છે. આનો અર્થ એવો થાય છે કે હાલમાં આશરે 21.75 ટકા જગ્યાઓ ખાલી છે. સરકારના કુલ કર્મચારીઓમાંથી 92 ટકા કર્મચારીઓ પાંચ મુખ્ય મંત્રાલયો કે વિભાગો હેઠળ છે. આ મંત્રાલયો અને વિભાગોમાં રેલવે, સંરક્ષણ (સિવિલ), ગૃહ, પોસ્ટ વિભાગ અને મહેસૂલનો સમાવેશ થાય છે. કેન્દશાસિત પ્રદેશો સિવાય કુલ 31.33 લાખ કેન્દ્રીય કર્મચારીઓમાંથી રેલવેમાં 40.55 ટકા, ગૃહ મંત્રાલયમાં 30.5 ટકા, સંરક્ષણ (સિવિલ) મંત્રાલયમાં 12.31 ટકા, પોસ્ટ વિભાગમાં 5.66 ટકા તથા બીજા તમામ મંત્રાલયો અને વિભાગોમાં 7.72 ટકા છે.
નિયમિત કેન્દ્રીય કર્મચારીઓના વેતન અને ભથ્થા માટેનો કુલ ખર્ચ 2019-20માં રૂ. 2,25,744.7 કરોડ હતો. જોકે તેમાં પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસ, અથવા એ-હોક બોનસ, લીવ એનકેશમેન્ટ, પ્રવાસ ભથ્થા વગેરનો સમાવેશ થતો નથી. આ ખર્ચમાં કેન્દ્રશાસિત પ્રદેશના અને ખાસ મિશનના કર્મચારીઓના વેતન ખર્ચનો પણ સમાવેશ થાય છે. 2018-19ના નાણાકીય વર્ષમાં કેન્દ્રનો કર્મચારીઓ માટેનો કુલ ખર્ચ રૂ. 2,08,960.17 કરોડ રહ્યો હતો.
રીપોર્ટમાં જણાવાયા અનુસાર કેન્દ્રીય પોલીસ દળમાં કુલ 10.16 લાખ જગ્યાઓ ભરવાની મંજૂરી મળેલી છે, જેમાં 1 માર્ચ 2020ના રોજ 9.05 લાખ કર્મચારીઓ તેમના હોદ્દા પર હતા.
સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર વિવિધ વિભાગો અને મંત્રાલયોને ખાલી જગ્યાઓ અંગેની વિગતો તૈયાર કરવાનો આદેશ અપાયો હતો અને એકંદર સમીક્ષા પછી 10 લાખ લોકોની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.