અમદાવાદ ખાતે શનિવારે સરદાર ધામનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના પાટીદાર સમાજની ઓળખ છે કે તેઓ વિશ્વમાં જ્યાં પણ જાય ત્યાંના વેપારને નવી ઊંચાઇ પર લઇ જાય છે. પાટીદાર સમાજની એક ખૂબી છે કે તે જ્યાં પણ હોય ભારતનું હિત તેમના માટે સર્વોપરી રહે છે.
દેશ અને વિદેશમાં પાટીદાર સમાજના યોગદાનનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે પાટીદારો સમાજનું આ કૌશલ્ય હવે માત્ર ગુજરાત અને દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ઓળખાઇ રહ્યું છે.તેમણે દેશના આર્થિક વિકાસમાં જે યોગદાન આપ્યું છે એ પ્રેરણાદાયી છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ‘૨૧મી સદીમાં ભારત પાસે ગ્લોબલ લીડર તરીકે ઉભરવાનો અવસર છે અને કેન્દ્ર સરકાર આ સંદર્ભમાં જ નીતિ-ઘડતરનું કાર્ય કરી રહી છે. દેશની નવી શિક્ષણ નીતિની જેમ જ સરદાર ધામમાં શિક્ષણ સાથે કૌશલ્ય પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સ્પર્ધાત્મક જગતમાં ભાવિ પડકારોને પહોંચી વળવા ભારતે નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિમાં કૌશલ્યવર્ધનને વધુ પ્રાધાન્ય આપ્યું છે અને તેના પરિણામસ્વરૃપે ભારતની નવી પેઢી વાસ્તવિક્તાઓનો સામનો કરવા માટે તૈયાર રહેશે.’
આ પ્રસંગે તેમણે ઉમેર્યું કે, ‘સરદાર ધામ ટ્રસ્ટ સાથે સંકળાયેલા તમામને અભિનંદન પાઠવું છું જેમણે સરદાર ધામના પ્રકલ્પને આકાર આપ્યો છે. તેમનું સમર્પણ-સેવા સંકલ્પ એક દ્રષ્ટાંત સમાન છે. સરદાર ધામ અનેક યુવાઓ માટે નવી દિશા આપશે. એક તરફ તેમાં ગુજરાતની ઓળખ એવી ઉદ્યોગ સાહસિક્તાને મજબૂતી મળશે અને ત્યાં બીજી તરફ સિવિલ સર્વિસ સેન્ટરના માધ્યમથી એ યુવાનોને નવી દિશા મળશે જેઓ સિવિલ સર્વિસ-ડિફેન્સ કે જ્યુડિશિયલ સર્વિસમાં જોડાવવા માગે છે.’
સમાજના દરેક વર્ગના વિકાસ માટે સરકાર કટિબદ્ધ હોવાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ‘ દેશનો જે વર્ગ સમાજમાં પછાત રહ્યો છે, તેમના વિકાસ માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. આ પ્રયાસોના ભાગરૂપે જ આર્થિક માપદંડના આધારે ૧૦ ટકા અનામત આપવામાં આવી છે.
અર્થતંત્રમાં રિકવરીનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીથી સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને ફટકો પડયો હતો અને ભારત પણ તેમાંથી બાકાત નહોતું. પરંતુ ભારતની અર્થવ્યવસ્થા કોરોના અગાઉના સમય કરતાં પણ વધુ સારી રીતે હરણફાળ ફરી રહી છે. જ્યારે વિશ્વની ધરખમ ઈકોનોમી ડિફેન્સિવ હતી ત્યારે અમે રીફોર્મ્સના તબક્કામાં હતા. દેશની પ્રગતિમાં ગુજરાતનું જે યોગદાન રહ્યું છે તેને અમે વધુ સશક્ત રીતે સામે લાવીશું. અમારા પ્રયાસ સમાજને જ નહીં દેશને નવી ઊંચાઇ પર લઇ જશે.
અમેરિકામાં ૯-૧૧( ૯ સપ્ટેમ્બર)ના ત્રાસવાદી હુમલાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે દુનિયામાં આ તારીખ અનેક રીતે જાણીતી છે. આ જ દિવસે માનવતા પર(અમેરિકાના ટવીન ટાવર પર હુમલો) પ્રહાર થયો હતો, અને આ એ જ દિવસ છે જ્યારે ૧૮૯૩માં શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ વિશ્વને ભારતના માનવીય મૂલ્યોનો પરિચય કરાવ્યો હતો.