ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના પુત્રી સોનલ મોદીએ 21મી ફેબ્રુઆરીએ યોજાનારી અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે રવિવારે દાવેદારી નોંધાવી હતી. તેમણે અમદાવાદના પશ્ચિમના વિસ્તાર બોડકદેવ વોર્ડમાંથી ટિકિટ માંગી છે. બોડકદેવમાં બક્ષીપંચ મહિલા અનામત બેઠક માટે સોનલ મોદીએ દાવેદારી કરી છે. તેમની દાવેદારીએ ભાજપના હોદ્દેદારોને ચોંકાવી દીધા હતા.
સોનલ મોદીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તેમણે વડાપ્રધાનના પરિવાર તરીકે નહીં, ભાજપના કાર્યકર તરીકે ટિકિટ માંગી છે. ભાજપના ઘણા કાર્યક્રમોમાં સહકાર આપ્યો છે. મેં ક્યારેય મીડિયા સમક્ષ આવવાનું પસંદ નથી કર્યું. દેશમાં વડાપ્રધાન મોદી સારું કામ કરી રહ્યા છે. સ્થાનિક સ્તરે યુવાઓ સુધી યોજનાઓ પહોંચી નથી. તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે તે નિર્ધાર સાથે ચૂંટણી લડીશ. ટિકિટ આપવી કે નહીં તે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે.
નરેન્દ્ર મોદીનો પરિવાર મોટાભાગે રાજકારણમાં સીધો સામેલ થવાથી દૂર રહ્યો છે. ત્યારે તેમની ભત્રીજી દ્વારા કરાયેલી ટિકિટની માંગથી ભાજપના હોદ્દેદારો સહિતનાને આશ્ચર્ય થયું છે.