વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી (પીએમ કિસાન) યોજના હેઠળ આશરે નવ કરોડ ખેડૂત પરિવારના ખાતામાં રૂ.18000 કરોડની રકમ જમા કરી હતી. દિલ્હીમાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન 30માં દિવસમાં પ્રવેશ્યું છે ત્યારે સરકારે વિવિધ જગ્યાએ કિસાન સન્માન નિધી અંગેના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
સત્તાધારી ભાજપે ખેડૂતો સુધી પહોંચવા માટે મેગા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. દેશમાં 19,000 જગ્યાએ ખેડૂતો સાથે ભાજપના નેતાઓએ સંવાદ કર્યો હતો અને વડાપ્રધાનનું પ્રવચન સાંભળ્યું હતું.
મોદીએ એક બટન દબાવીને દરેક ખેડૂતોના ખાતામાં રૂ.2,000ની રકમ ટ્રાન્સફર કરી હતી. પીએમ કિસાન સ્કીમ હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે રૂ.6,000ની સીધા સહાય આપવામાં આવે છે. આ રકમ રૂ.2000ના ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ 6 રાજ્યોના ખેડુતો સાથે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી સંવાદ કર્યો હતો.
સરકાર મંત્રણા માટે તૈયાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંદોલનકારી ખેડૂતો સાથે કેન્દ્ર સરકારની મંત્રણામાં મડાગાંઠ માટે રાજકીય એજન્ડા ધરાવતા લોકોને જવાબદાર ગણાવ્યાં હતા અને જણાવ્યું હતું કે જો કૃષિ મુદ્દા, હકીકતો અને તર્ક આધારિત મંત્રણા કરવી હોય તો સરકાર તમામ સાથે મંત્રણા કરવા માટે તૈયાર છે.
કોર્પોરેટ જમીન હડપી જશે તે માત્ર ભ્રમ છે
વડાપ્રધાને સંબોધનમાં કહ્યું હતું કે, ખેડુતોના જીવનમાં ખુશી, આપણાં સૌના જીવનમાં ખુશી વધારી દે છે. આજનો દિવસ તો ખુબ પાવન છે. ખેડુતોને આજે જે સમ્માન નિધિ મળી છે તે સાથે જ આજનો દિવસ અનેક અવસરનો સંગમ બનીને આવ્યો છે. એક ખેડુત સાથે સંવાદ કરતા તેમણે કહ્યું કે, કેટલાંક લોકો એવો ભ્રમ ફેલાવે છે કે તમારો પાકનો કોઈ કોન્ટ્રેક્ટ કરશે તો જમીન પણ ચાલી જશે. તે લોકો ખોટું બોલી રહ્યાં છે.
મોદીએ વધુમાં કહ્યું હતું કે, મને આજે એ વાતનો અફસોસ છે કે પશ્ચિમ બંગાળના 70 લાખથી વધારે ખેડુતોને તેનો લાભ મળી શક્યો નથી. બંગાળના 23 લાખથી વધારે ખેડુતો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી ચુક્યાં છે પરંતુ રાજ્ય સરકારે વેરિફિકેશનની પ્રક્રિયાને આટલા લાંબા સમયથી રોકી રાખી છે.
વિરોધ પક્ષો સ્વાર્થની રાજનીતિ કરે છે
વિરોધ પક્ષોની ટીકા કરતા તેમણે કહ્યું કે, સ્વાર્થની રાજનીતિ કરનારાઓને જનતા સારી રીતે જાણે છે. પશ્ચિમ બંગાળમાં ખેડુતોના અહિત પર કંઈ નથી બોલતા તે પક્ષો અહીંના ખેડુતોના નામ પર દિલ્હીના નાગરિકોને હેરાન કરવામાં લાગ્યા છે. દેશની અર્થનીતિને બર્બાદ કરવામાં કેટલાંક લાગ્યા છે.
મોદીએ જણાવ્યું હતું કે હું વિરોધ પક્ષોને પુછવા માંગું છું કે અહીં ફોટા પડાવવાના કાર્યક્રમ કરો છો તો થોડું કેરળમાં આંદોલન કરીને ત્યાં તો APMC શરૂ કરાવો. પંજાબના ખેડુતોને ખોટા માર્ગ પર દોરવા માટે તમારી પાસે સમય છે અને કેરળમાં આ વ્યવસ્થા શરૂ કરવા માટે તમારી પાસે સમય નથી. શા માટે તમે લોકો બેવડી નીતિ લઈને ચાલો છો.
PM મોદીએ કહ્યું કે, ખેડુતોના નામ પર પોતાના ઝંડા લઈને રમત રમી રહ્યાં છે. હવે તેમને સત્ય સાંભળવું પડશે. આ લોકો સમાચાર પત્રો અને મીડિયામાં જગ્યા બનાવીને, રાજકિય મેદાનમાં પોતાને જીવતા રાખવાની જડી-બુટ્ટી શોધી રહ્યાં છે. આ એ લોકો જ છે જે વર્ષો સુધી સત્તામાં રહ્યાં. તેમની નીતિઓના કારણે દેશની ખેતી અને ખેડુતનો એટલો વિકાસ થઈ શક્યો નહી. પહેલાની સરકારની નીતિઓના કારણે સૌથી વધારે બર્બાદ નાનો ખેડુત થયો છે.