ઇટલીમાં જી-સેવન શિખર બેઠક દરમિયાન શુક્રવાર, 14 જૂને યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથેની દ્વિપક્ષીય બેઠકમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત માનવ-કેન્દ્રિત અભિગમમાં માને છે તથા શાંતિનો માર્ગ “સંવાદ અને મુત્સદ્દીગીરી” છે.

યુક્રેનના પ્રેસિડન્ટ સાથેની બેઠકને ખૂબ જ ફળદાયી ગણાવીને મોદીએ કહ્યું હતું કે ભારત યુક્રેન સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા આતુર છે. હાલમાં ચાલી રહેલા સંધર્ષના સંદર્ભમાં ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે ભારત માનવ-કેન્દ્રિત અભિગમમાં માને છે તથા સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા શાંતિ હાંસલ કરી શકાય છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી અને યુક્રેનની સ્થિતિ પર વિચારોની આપલે કરી હતી. PMએ જણાવ્યું કે ભારત સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા સંઘર્ષના શાંતિપૂર્ણ નિરાકરણને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખે છે.

વિદેશ પ્રધાન એસ જયશંકર અને વિદેશ સચિવ વિનય ક્વાત્રા મંત્રણામાં મોદીના પ્રતિનિધિમંડળનો ભાગ હતા. એવું જાણવા મળે છે કે ઝેલેન્સ્કીએ મોદીને સંઘર્ષના વિવિધ પાસાઓ વિશે માહિતી આપી હતી.મોદી ગયા વર્ષે મે મહિનામાં હિરોશિમામાં અગાઉની G7 સમિટ દરમિયાન ઝેલેન્સ્કીને મળ્યાં હતાં.

યુક્રેન સંધર્ષ અંગે સ્વિટ્ઝર્લેન્ડમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સમિટ મોદી અને ઝેલેન્સ્કી વચ્ચેની આ બેઠકનું વિશેષ મહત્ત્વ છે. ભારતે બુધવારે કહ્યું હતું કે તે યુક્રેન સંઘર્ષ પર આગામી શાંતિ સમિટમાં “યોગ્ય સ્તરે” ભાગ લેશે. પીસ સમિટ 15 અને 16 જૂને લ્યુસર્નના બર્ગેનસ્ટોક ખાતે યોજાશે. સ્વિટ્ઝર્લેન્ડે વડાપ્રધાન મોદીને તેમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. જોકે એવું જાણવા મળ્યું છે કે સમિટમાં એક વરિષ્ઠ રાજદ્વારી ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

LEAVE A REPLY