ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જામનગરમાં ચૂંટણી સભા પહેલા જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા સાથે મુલાકાત કરી હતી. જામસાહેબે મોદીને પાઘડી પહેરાવી આવકાર્યા હતાં.
મોદીએ જણાવ્યું હતું કે મારા માટે જામસાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે. જામસાહેબ વિજય ભવઃ કહે પછી એ વિજય નિશ્ચિત થઈ જાય. મોદીની જામ સાહેબ સાથેની આ બેઠકનું વિશેષ મહત્ત્વ છે કારણ કે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની રાજા-રજવડા અંગેની ટીપ્પણીને કારણે રાજપૂતો રોષે ભરાયા હતા. મોદીની ચૂંટણીસભામાં પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યાં ન હતા.
ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન ખુદ મોદીએ સંભાળી હતી. આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેરસભાને સંબોધ્યા બાદ ચોથી સભા જામનગરમાં સંબોધી હતી. આ સભામાં જામનગર શહેર-જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને પોરબંદરથી મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યાં હતા.