વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ પહેલા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના ટોચના સીઇઓ અને કોર્પોરેટ વડાઓ સાથે બેઠકો યોજી હતી તથા અર્થતંત્રને વેગ આપવા માટે વિવિધ ક્ષેત્રમાં રોકાણ આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ સુઝુકી મોટર કોર્પ, માઇક્રોન ટેક્નોલોજી અને એપી મોલરના એક્ઝિક્યુટિવ્સને મળ્યા હતા અને ઉદ્યોગના મુદ્દાઓ અને રોકાણની તકોની ચર્ચાવિચારણા કરી હતી.

વડા પ્રધાન કાર્યાલયે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મોદી અને સુઝુકી મોટર કોર્પના ડાયરેક્ટર અને પ્રેસિડન્ટ તોશિહિરો સુઝુકી મેડ ઇન ઇન્ડિયા વાહનોની નિકાસ કરીને તથા વાહનોના સ્ક્રેપિંગ અને વાહન રિસાયક્લિંગને લગતી વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓનો ઉપયોગ કરીને વૈશ્વિક ઓટોમોટિવ માર્કેટમાં ભારતને મજબૂત ખેલાડી બનાવવાની મારુતિ સુઝુકીની યોજનાઓની ચર્ચાવિચારણા કરી હતી. મારુતિ સુઝુકી ગુજરાતમાં બીજો કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માંગે છે. દેશમાં કંપનીનો આ પાંચમો પ્લાન્ટ હશે.

PMOએ X પર એક અલગ પોસ્ટમાં જણાવ્યું હતું કે માઈક્રોન ટેક્નોલોજીના પ્રેસિડન્ટ અને સીઈઓ સંજય મેહરોત્રાએ ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી સાથે બેઠક યોજી હતી. તેઓએ ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમને વધારવા માટે માઈક્રોનના પ્રયાસો અંગે ચર્ચાવિચારણા કરી હતી.

ચિપ બનાવતી જાયન્ટ કંપની માઈક્રોને અમદાવાદથી લગભગ 40 કિમી દૂર સાણંદમાં 2.75 બિલિયન ડોલરની સેમિકન્ડક્ટર ફેક્ટરીનું બાંધકામ શરૂ કર્યું છે. પ્લાન્ટમાં વેફ્ટરને બોલ-ગ્રીડ એરે (BGA) ઈન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજ, મેમરી મોડ્યુલ્સ અને સોલિડ-સ્ટેટમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્લાન્ટ આ વર્ષના ડિસેમ્બર સુધીમાં કાર્યરત થવાની ધારણા છે.

વડાપ્રધાને ડીપી વર્લ્ડના ગ્રુપ ચેરમેન અને સીઈઓ અહેમદ બિન સુલેમને પણ મળ્યા હતા. “તેઓએ ભારતમાં રોકાણને વધુ પ્રોત્સાહન આપવા માટે DP વર્લ્ડની યોજનાઓ પર ચર્ચા કરી હતી. તેઓએ ખાસ કરીને ટકાઉ, હરિયાળા અને ઊર્જા-કાર્યક્ષમ બંદરો અને વિશ્વ સ્તરીય ટકાઉ લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા સંબંધિત મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.

ડીપી વર્લ્ડે ગયા વર્ષે દીનદયાળ પોર્ટ ઓથોરિટી સાથે ગુજરાતમાં કંડલા ખાતે વાર્ષિક 2.19 મિલિયન TEU મેગા-કન્ટેનર ટર્મિનલના વિકાસ, સંચાલન અને જાળવણી માટે કન્સેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. દુબઈ સ્થિત આ લોજિસ્ટિક્સ કંપની હાલમાં ભારતમાં પાંચ કન્ટેનર ટર્મિનલ ચલાવે છે. તેમાં બે મુંબઈમાં, એક-એક મુંદ્રા, કોચીન અને ચેન્નાઈમાં છે. તેની કુલ ક્ષમતા  આશરે 6 મિલિયન TEUs છે.

મોદી એપી મોલરના સીઈઓ કીથ સ્વેન્ડસેનને પણ મળ્યા હતા. પીએમએ ગિફ્ટ સિટીમાં એપી મોલરના વિસ્તરણ યોજનાઓનું સ્વાગત કર્યું હતું. તેમની ચર્ચાઓમાં ગ્રીન હાઇડ્રોજન અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના નિર્ણાયક વિષયો સામેલ હતાં.

મોદીએ  ડેકિન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર ઈયાન માર્ટિન સાથે પણ મુલાકાત કરી હતી.”તેમણે સાયબર સુરક્ષાને લગતી સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી. પીએમએ સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ભારતીય યુનિવર્સિટીઓ સાથે સહયોગ કરવા માટે ડીકિન યુનિવર્સિટીનું પણ સ્વાગત કર્યું હતું.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને 133 દેશોના ચીફ એક્ઝિક્યુટિવ્સ, બિઝનેસ લીડર્સ, પ્રધાનો અને રાજદ્વારીઓ સહિત લગભગ 100,000 મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે. અબજોપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી, ટાટા જૂથના ચેરમેન, માઇક્રોસોફ્ટ, આલ્ફાબેટના ગૂગલ અને ટોયોટાના એક્ઝિક્યુટિવ્સ આ ઇવેન્ટમાં હાજરી આપે તેવી અપેક્ષા છે જે ચિપમેકિંગથી લઈને ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન સુધીના ક્ષેત્રોમાં રોકાણને આકર્ષિત કરવા માંગે છે.

 

LEAVE A REPLY