ઇટલીમાં જી-સેવન દેશોની શિખર બેઠક દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે તેમના બ્રિટિશ સમકક્ષ ઋષિ સુનકને મળ્યાં હતાં અને NDA સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારત-યુકે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો તથા FTA વાટાઘાટોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી.
અપુલિયામાં બોર્ગો એગ્નાઝિયાના લક્ઝરી રિસોર્ટમાં 50મી G7 સમિટ દરમિયાન બંને નેતાઓએ મળ્યાં ત્યારે એકબીજાને ઉષ્માભરી શુભેચ્છા પાઠવી હતી.
મોદીએ આ બેઠક પછી તરત જ X પર પોસ્ટ કર્યું હતું કે “ઇટાલીમાં બ્રિટિશ વડાપ્રધાન સુનકને મળીને આનંદ થયો. મેં એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનાવવાની મારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સેમિકન્ડક્ટર્સ, ટેક્નોલોજી અને વેપાર જેવા ક્ષેત્રોમાં સંબંધોને ગાઢ બનાવવાનો ઘણો અવકાશ છે. અમે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ મજબૂત સંબંધો વિશે પણ વાતચીત કરી હતી.”
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બંને નેતાઓ વચ્ચેની બેઠકને ફળદાયી ગણાવી જણાવ્યું હતું કે “બંને નેતાઓએ સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને આર્થિક સહયોગ, નિર્ણાયક અને હાઇટેકનોલોજી ક્ષેત્રો અને લોકો સાથે લોકોના જોડાણના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ રોડમેપ 2030ના અમલીકરણ અને હાલમાં ચાલુ રહેલી FTA વાટાઘાટોમાં થયેલી પ્રગતિની ચર્ચાવિચારણા કરી હતી.”
સુનક અને મોદી છેલ્લે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં G20 સમિટમાં રૂબરૂ મળ્યા હતાં. તે વખતે બંને નેતાઓ ભારતની સામાન્ય ચૂંટણી પહેલા હસ્તાક્ષર કરવાની આશા સાથે FTA વાટાઘાટોને વેગ આપવા સંમત થયાં હતાં. જોકે હવે 4 જુલાઈએ યુકેની નવી સરકાર ચૂંટાયા પછી જ વેપાર વાટાઘાટો ફરી શરૂ થવાની ધારણા છે.
જાન્યુઆરી 2022માં શરૂ થયેલી ભારત-યુકે FTA વાટાઘાટોનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વેપારને નોંધપાત્ર રીતે વધારવાનો છે. હાલમાં બંને દેશો વચ્ચેના વેપાર વાર્ષિક લગભગ 38.1 બિલિયન પાઉન્ડ છે.