યુરોપ યાત્રાના છેલ્લાં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવાર, 4મેએ પેરિસ પહોંચ્યા હતા અને ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસની પોતાના સંક્ષિપ્ત યાત્રા દરમિયાન ફ્રાન્સના પ્રેસિડન્ટ સાથે દ્વિપક્ષીય, સ્થાનિક અને વૈશ્વિક મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં ભારત અને ફ્રાન્સના સંબંધો વધારે મજબૂત બનાવવા અને સફળતા વધારવા પર વાતચીત થઈ હતી. વડાપ્રધાન મોદીએ મેક્રોનને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
આ બેઠક ફ્રાન્સના પ્રેસિડન્ટના સત્તાવાર આવાસ એલિસી પેલેસમાં થઈ હતી. મેક્રોએ ભારતના વડાપ્રધાનનું પેલેસમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું. રશિયા-યુક્રેન યુદ્ધના માહોલ વચ્ચે આ બેઠક મહત્ત્વની હતી, કારણ કે વડાપ્રધાન પેરિસ પહોંચ્યા તેના એક દિવસ પહેલા મેક્રોને રશિયાના પ્રેસિડન્ટ વ્હાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી.
બંને નેતાઓની બેઠક પછી વિદેશ સચિવ વિનય ક્વાત્રે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના પ્રેસિડન્ટને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું છે. વિદેશ પ્રધાન ડૉ. એસ જયશંકરે પણ આ પ્રવાસ દરમિયાન ફ્રાન્સના વિદેશ પ્રધાન સાથે બેઠક કરી હતી.
મોદી અને મેક્રોને યુક્રેન સામે રશિયાના સૈન્યની કાર્યવાહીને ધ્યાનમાં રાખીને સ્થાનિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ કર્યો હતો. બન્ને નેતાએએ સંરક્ષણ, અંતરિક્ષ, અસૈન્ય પરમાણુ સહયોગ અને લોકો વચ્ચે સંબંધો સહિત દ્વિપક્ષીય સંબંધોને લઈને મહત્વની ચર્ચાઓ કરી હતી. ભારત અને ફ્રાન્સનું માનવું છે કે તેઓ એક બીજાને હિન્દ-પ્રશાંતમાં મુખ્ય ભાગીદાર તરીકે જુએ છે.
બન્ને દેશોએ માન્યું કે મુલાકાતનો દોર ચાલુ રહેવો જોઈએ. આ મુલાકાત ભારત-ફ્રાન્સની દોસ્તીને ગતિ આપશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદર બાગચીએ ટ્વિટ કરીને, ‘બન્ને દોસ્તોની મુલાકાત’ ગણાવી છે. આ સંબંધો એક નવી તક ઉભી કરશે. વડાપ્રધાન કાર્યાલયે વડાપ્રધાન મોદી અને મેક્રોન બન્ને એક બીજાને ગળે લાગતા હોય તેવી તસવીર શેર કરીને ટ્વીટ કર્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ મેક્રોન વચ્ચે પેરિસમાં મુલાકાત. આ મુલાકાતથી ભારત અને ફ્રાન્સના સંબંધોને ગતિ મળશે.”
મોદીની આ યાત્રા યુક્રેન સંકટ વચ્ચે થઈ હતી. પહેલા આશા હતી કે બન્ને દેશો આ મુદ્દા પર ચર્ચા કરી શકે છે કે યુક્રેનમાં હુમલાની સમાપ્તિ કઈ રીતે સુનિશ્ચિત કરી શકાય. કઈ રીતે આ સંઘર્ષને વૈશ્વિક આર્થિક પરિણામોને ઘટાડી શકાય. મંગળવારે એક નિવેદનમાં મેક્રોએ રશિયાના વિનાશકારી આક્રમણને સમાપ્ત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય તરીકે પોતાની જવાબદારીનું પાલન કરવાનો આગ્રહ કર્યો હતો.