(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત શનિવારે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC 2022)માં 5G સર્વિસ લોન્ચ કરી હતી. નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી વડા પ્રધાને દેશને હાઈ સ્પીડ મોબાઈલ ઈન્ટરનેટની ભેટ આપી હતી. આ સાથે જ ભારતમાં ટેલીકોમ ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન મોદીએ ડેમો ઝોનમાં 5Gનો અનુભવ પણ લીધો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદીની સાથે આ પ્રસંગે ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણી ઉપસ્થિત રહ્યા હતા.

દેશની ત્રણ પ્રમુખ ટેલિકોમ કંપનીઓ Airtel, Jio અને Viએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 5G સેવાઓની કામગીરીનો ડેમો આપ્યો હતો. 5G ટેક્નોલોજી સીમલેસ કવરેજ, હાઈ ડેટા સ્પીડ, ઓછા વિલંબ અને અત્યંત વિશ્વસનીય સંચાર સુવિધાઓ પૂરી પાડશે. આનાથી ઊર્જા કાર્યક્ષમતા, સ્પેક્ટ્રમ કાર્યક્ષમતા અને નેટવર્ક કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો થશે.

આ કાર્યક્રમ 4 ઓક્ટોબર સુધી ચાલશે. IMC 2022 તેની સત્તાવાર એપ પરથી પણ લાઈવ જોઈ શકાય છે. આ પ્રોગ્રામમાં 5G નેટવર્કના ઉપયોગ વિશે પણ માહિતી આપવામાં આવશે. IMCની શરૂઆત 2017માં થઈ હતી. છેલ્લા બે વર્ષથી IMC વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવી રહ્યું હતું.

પહેલા તબક્કામાં 13 શહેરોમાં 5G સેવાઓ શરૂ થઈ છે અને ટૂંક સમયમાં જ તેનો વિસ્તાર કરવામાં આવશે. આ 13 શહેરોમાં અમદાવાદ, બેંગલુરૂ, ચંદીગઢ, ગાંધીનગર, ગુરૂગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, ચેન્નાઈ, લખનૌ, પુણે, દિલ્હી અને મુંબઈનો સમાવેશ થાય છે.

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ દેશમાં સૌથી પહેલા જિયો 5G લોન્ચ કરશે તેમ જણાવ્યું હતું. 2023 સુધીમાં આ ટેક્નોલોજી દેશની ગલી-ગલીમાં પહોંચી જશે. આ સાથે જ અંબાણીએ 5Gની કિંમત પરવડે તેવી હશે અને સામાન્ય લોકો પણ તેનો ઉપયોગ કરી શકશે તેમ જણાવ્યું હતું. આજથી એરટેલનું 5G નેટવર્ક દેશના દિલ્હી, બેંગલુરૂ જેવા 8 પ્રમુખ શહેરોમાં શરૂ થશે.

LEAVE A REPLY