ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર (30 સપ્ટેમ્બર) ગાંધીનગર-મુંબઈ વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી હતી.
મોદી ગાંધીનગર રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસમાં સવાર થઈને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અહીંથી તેમણે મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવી તેમાં મુસાફરી કરી હતી. મેટ્રોમાં બેસી મોદી દૂરદર્શન કેન્દ્ર પહોંચી પોતાની AES ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધન કર્યું હતું.
મોદીએ વંદે ભારત એક્સપ્રેસમાં પ્રવાસ દરમિયાન રેલવેના કર્મચારીઓ તેમજ અન્ય લોકો સાથે વાતચીત કરી ટ્રેનની વિશેષતા જાણી હતી. આ ઉપરાંત, તેમણે મેટ્રો ટ્રેનમાં પણ મુસાફરી દરમિયાન તેની વિવિધ બાબતોનું નિરીક્ષણ કરવાની સાથે તેના વિશે માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, 2019માં પીએમ મોદીએ વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રોનો પ્રારંભ કરાવ્યો હતો, ત્યારબાદ આજે ત્રણ વર્ષે અમદાવાદમાં મેટ્રો ટ્રેન ફુલ ફ્લેજમાં દોડતી થઈ છે, જેમાં વાસણા એપીએમસીથી મોટેરા અને વસ્ત્રાલથી થલતેજના રુટનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં જનસભાને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે શહેરોમાં સીમલેસ કનેક્ટિવિટી તેમજ ઝડપી ટ્રાન્સ્પોર્ટેશન ખૂબ જ જરુરી છે. છેલ્લા આઠ વર્ષોમાં શહેરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ મોટું રોકાણ થયું છે, અને આ ગાળામાં દેશના બે ડઝનથી વધુ શહેરોમાં મેટ્રો શરુ થઈ ચૂકી છે અથવા ઝડપથી નિર્માણ પામી રહી છે. ઉડાન યોજના હેઠળ નાના શહેરોને હવાઈ સુવિધા સાથે જોડવામાં આવ્યા છે. શહેરોના વિકાસ પર આટલું ફોકસ અને રોકાણ એટલા માટે કરાઈ રહ્યું છે કારણકે આ શહેરો આવનારા 25 વર્ષમાં વિકસિત ભારતના નિર્માણને સુનિશ્ચિત કરવાના છે. આ રોકાણ માત્ર કનેક્ટિવિટી પૂરતું મર્યાદિત નથી. ડઝનબંધ શહેરોમાં સ્માર્ટ સુવિધા ઉભી કરાઈ રહી છે. ટ્વીન સિટીનો વિકાસ કઈ રીતે થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ-ગાંધીનગર છે. આગામી સમયમાં ગુજરાતમાં બીજા પણ ટ્વીન સિટી આકાર લેશે. વલસાડ-વાપી, વડોદરા-હાલોલ-કાલોલ, મહેસાણા-કડી જેવા અનેક ટ્વિન સિટી ગુજરાતની ઓળખને વધુ સશક્ત કરશે
મોદીએ જણાવ્યું હતું કે, જૂના શહેરોમાં સવલતો સુધારવા ઉપરાંત, નવા શહેરો પણ ઉભા કરાઈ રહ્યા છે જેનું ઉત્તમ ઉદાહરણ ગિફ્ટ સિટી છે. એક સમયે જ્યારે ગિફ્ટ સિટીની પરિકલ્પના વ્યક્ત કરાઈ ત્યારે કોઈ તેને સ્વીકારવા તૈયાર નહોતું, જ્યારે આજે ગિફ્ટ સિટી તમારી આંખ સામે ઉભું છે. એક સમય હતો જ્યારે અમદાવાદમાં ટ્રાન્સપોર્ટ લાલ દરવાજા અને લાલ બસ જ વિકલ્પ હતા, અને હરીફરીને રિક્ષાવાળા પર લોકો નિર્ભર હતા. સામાન્ય નાગરિકોની સુવિધા વધારવા માટે જ અમદાવાદમાં BRTની શરુઆત કરાઈ હતી.
મોદીએ જણાવ્યું હતું કે ઓગસ્ટ 2023 સુધીમાં 75 વંદે ભારત ટ્રેન દોડાવવા તૈયારી કરાઈ રહી છે. 180 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડવા સજ્જ વંદે ભારત દેશના ટ્રાન્સપોર્ટેશનની દશા અને દિશા બદલી દેશે. ઈસ્ટર્ન-વેસ્ટર્ન કોરિડોર, ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર તૈયાર થવા પર માલગાડીઓની સ્પીડ વધશે, અને પેસેન્જર ટ્રેનને પણ તેનો લાભ મળશે. તેનાથી ગુજરાતના 15 બંદરોને પણ ફાયદો થશે. આખાય સૌરાષ્ટ્ર અને કચ્છને તેનો સૌથી વધુ ફાયદો મળશે.