PM Narendra Modi in Surat
(ANI Photo)

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવ નિર્માણ ભાવનગર બસ સ્ટેશન સહિત રૂ.817 કરોડથી વધારે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ રૂ.6,626 કરોડનાં પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાને ભાવનગરને રૂ.100 કરોડના ખર્ચે તૈયાર થયેલા સાયન્સ સેન્ટરની ભેટ આપી હતી અને રૂ.4,000 કરોડના ખર્ચે તૈયાર થનારા વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલનું ખાતમુહૂર્ત કર્યું હતું.

ભાવનગરમાં વડાપ્રધાન મોદીએ રીજનલ સાયન્સ સેન્ટર, કન્ટેઇનર મેન્યુફેક્ચરિંગ, ભાવનગર એસ.ટી. બસ સ્ટેશન, તળાજામાં મોડલ સ્કૂલ, સરકારી કન્યા છાત્રાલય, મોતીબાગ ટાઉનહોલ સહિતના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. ભાવનગરમાં પણ સુરતની જેમ મોદીએ ભવ્ય રોડ શો યોજ્યો હતો.

જનસભાને સંબોધન કરતાં મોદીએ જણાવ્યું હતું કે ધોલેરામાં સેમીકન્ડકટરનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે તેનો લાભ ભાવનગરને મળશે. તાજેતરમાં જ તાઈવાનની ફોક્સકોન અને અનિલ અગ્રવાલની વેદાંત કંપનીએ સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે રાજ્યમાં 20 બિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ભાવનગરના લોકોને નવરાત્રિની શુભકામના પાઠવતા મોદીએ જણાવ્યું હતું કે રીજનલ સાયન્સ સેન્ટર સ્થપાવાથી શિક્ષણ અને સંસ્કૃતિના શહેર તરીકેની ઓળખ મજબૂત બનશે.  ગુજરાત સમગ્ર દેશને ઉર્જા પહોંચાડે છે. સૌરાષ્ટ્રને ઉર્જાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાનો પ્રયાસ કર્યો છે. ઘોઘા-દહેજ રો-રો ફેરી શરૂ કરીને લોકોની મુશ્કેલીઓ દૂર કરી છે. રો-રો ફેરીથી 40 લાખ લીટર પેટ્રોલ-ડીઝલની બચત થઈ છે. લોથલ જેવું સૌથી જૂનૂં પોર્ટ ગુજરાતમાં છે.

મોદીએ જણાવ્યું હતું કે લોથલ આપણી વિરાસતનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે, જેને સમગ્ર વિશ્વના પ્રવાસન નકશા પર લાવવા માટે ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. લોથલની સાથે સાથે વેળાવદર નેશનલ પાર્કમાં પણ ઈકો-ટૂરિઝમ સર્કિટથી ભાવનગરને ખાસ કરીને નાના વેપારીઓને ફાયદો થશે. આજે ગુજરાતની કોસ્ટલ લાઇન લાખો લોકો માટે રોજગારીનું માધ્યમ બની છે, ઉપરાંત દેશની આયાત-નિકાસમાં પણ મોટી ભૂમિકા ભજવે છે. આજે ગુજરાતનો દરિયાકિનારો પુનઃપ્રાપ્ય ઉર્જા અને હાઇડ્રોજન ઇકોસિસ્ટમના પર્યાય તરીકે ઉભરી રહ્યો છે. હુ અહીં મોડો આવ્યો પણ ખાલી હાથ નથી આવ્યો. આજે વિકાસની અનેક પરિયોજના લઈને હું આવ્યો છું. ભાવનગરનાં ભવિષ્યને ચાર ચાંદ લગાડનારી યોજનાઓ લઈને હું આવ્યો છું.

ભાવનગરી ગાંઠિયાને યાદ કરતાં મોદીએ જણાવ્યું હતું કે ભાવનગરમાં આવી ગાંઠિયા અને દાસના પેંડા યાદ આવે, ગાંઠિયા યાદ કરુને મને મારા હરિસિંહ દાદા યાદ આવે. વર્ષો પહેલાં રાજકારણમાં પણ ન હતો ત્યારે અમને ગાંઠિયા ખાવાનું શીખવા઼નાર હરિસિંહ દાદા હતા, અત્યારે તો નવરાત્રિ છે. પરંતુ ભાવનગરના ગાંઠિયા દેશ દુનિયા વખાણે તે નાની વાત નથી.

ભાવનગરના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી સાંજે 7 વાગ્યે અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવી પહોંચશે. અહીં તેઓ રાષ્ટ્રીય રમતોત્સવ 2022નું ઉદ્ઘાટન કરશે અહીંથી તેઓ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર પાસે આયોજિત વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્વસમાં હાજરી આપશે. અહીં તેઓ માતાજીની આરતી ઉતારવાના છે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત 36મા રાષ્ટ્રીય રમતોત્સવને પણ ખુલ્લો મૂકવાના છે. આ કાર્યક્રમ દરમિયાન દેશના રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદી અંબાજી જઈને મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવશે અને આરતી કરીને માતાના આશીર્વાદ લેશે.

LEAVE A REPLY