ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પ્રથમ મુલાકાતમાં અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે આપોઆપ ત્રાસવાદમાં પાકિસ્તાનની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ત્રાસવાદી જૂથો કાર્યરત છે. પાકિસ્તાન તેમની સામે પગલાં લેવા જોઇએ, જેથી અમેરિકા અને ભારતની સુરક્ષાને અસર ન થાય. વડાપ્રધાન મોદી અને કમલા હેરિસ વચ્ચે ગુરુવારે વ્હાઇટહાઉસમાં મુલાકાત થઈ હતી.
આ પહેલો પ્રસંગ હતો, જ્યારે કોઈ ભારતીય મૂળની અમેરિકી વાઇસ પ્રેસિડન્ટે ભારતીય વડાપ્રધાન સાથે મુલાકાત કરી હોય. આ બેઠકમાં ત્રાસવાદમાં પાકિસ્તાનની ભૂમિકાનો મુદ્દો ઊભો થયો હતો કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલાએ જણાવ્યું હતું કે ત્રાસવાદીનો મુદ્દો આવ્યો ત્યારે વાઇસ પ્રેસિડન્ટે પોતાની રીતે આ સંદર્ભમાં પાકિસ્તાનની સંડોવણીનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે કમલા હેરિસે સરહદ પારના ત્રાસવાદના મુદ્દે વડાપ્રધાન મોદીના નિવેદન પર પણ સંમતી વ્યક્ત કરી હતી. સાથે જ તે વાત પર પણ એકમત થયા કે ભારત દશકાઓથી આતંકવાદનો શિકાર બની રહ્યું છે અને હવે ત્રાસવાદી સંગઠનોને પાકિસ્તાનથી મળી રહેલી મદદ પર અંકુશ લગાવવા અને તેના કડક વલણ અપનાવવાની જરૂરિયાત છે.
આ બેઠકમાં બં નેતોએ ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો નિર્ણય કર્યો હતો તથા લોકશાહી સામેના જોખમ, અફઘાનિસ્તાન અને ઇન્ડો પેસિફિક સહિતના સહિયારા હિતના વૈશ્વિક મુદ્દાની ચર્ચા કરી હતી.
કમલા હેરિસ સાથેની ચર્ચામાં મોદીએ વધુમાં કહ્યું કે અમેરિકામાં તમે વાઈસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા તે મહત્વપૂર્ણ છે. આ દુનિયા માટે પ્રેરણાસ્ત્રોત છે. તમે અને બાઈડેન મળીને ભારત-અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરો. અમે તમારું સન્માન કરીએ છીએ, હું તમારું ભારતમાં સ્વાગત કરવા ઈચ્છું છું. તમારી વિજય યાત્રા ઐતિહાસિક છે.
મોદીએ કહ્યું હતું કે વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહી તરીકે ભારત અને અમેરિકા સહજ પાર્ટનર છે. આપણાં મૂલ્યોમાં સમાનતા છે. આપણો તાલમેલ અને સહયોગ સતત વધી રહ્યો છે.
અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટે મોદીનું સ્વાગત કરતા બંને દેશોના મજબૂત સંબંધોને નવી ઊંચાઈ આપવાની જરૂરિયાત પર ભાર આપ્યો હતો તેઓએ કહ્યું કે ભારતના આ નિર્ણયથી ઘણાં ખુશ છે કે તેઓ ફરીથી વેક્સિન એક્સપોર્ટ કરવા જઈ રહ્યાં છે. ભારતમાં હવે દરરોજ એક કરોડથી વધુ લોકોને વેક્સિનેટ કરવામાં આવે છે અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતમાં જ્યારે કોવિડ ખતરનાક બન્યો હતો ત્યારે અમેરિકા આ મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભું હતું.
હેરિસે સુરક્ષા મામલોનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે બંને હિંદ અને પ્રશાંત મહાસાગરમાં ફ્રી ટ્રેડ અને ફ્રી રૂટને મહત્વ આપીએ છીએ અને આ દિશામાં કામ કરી રહ્યાં છીએ. ક્લાયમેન્ટ ચેન્જના મુદ્દાને પણ ભારત સરકાર ગંભીરતાથી લઈ રહ્યું છે. અમને વિશ્વાસ છે કે બંને દેશ મળીને પીપલ્સ-ટૂ-પીપલ્સ કોન્ટેક્ટ વધારશે અને વિશ્વમાં તેનો સારો પ્રભાવ પડશે.