ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન વચ્ચે સોમવારે ટેલિફોન પર વાતચીત થઈ હતી. બંને નેતાએ યુકે દ્વારા ભારતના વેક્સિન સર્ટિફિકેટને માન્યતાને આવકારી હતી અને તાલિબાનનો સામનો કરવા સંકલિત આંતરરાષ્ટ્રીય પ્રયાસોની જરૂરિયાત અંગે સંમત થયા હતા, એમ યુકેના એક નિવેદનમાં જણાવાયું હતું.
બ્રિટને ફુલી વેક્સિનેટેડ ભારતીય ટ્રાવેલર્સને યુકેમાં 10 દિવસના ક્વોરેન્ટાઇનમાં મુક્તિ આપ્યાના ચાર દિવસ બાદ બંને વડા વચ્ચે આ વાતચીત થઈ હતી.
બ્રિટનના નિવેદન મુજબ બંને વડાપ્રધાને કોરોના વાઇરસ સામેની સહિયારી લડત અને આંતરરાષ્ટ્રીય ટ્રાવેલને સાવધાની સાથે ખુલ્લા મૂકવાના મહત્ત્વની ચર્ચા કરી હતી. ભારતના વેક્સિન સર્ટિફિકેટને બ્રિટન દ્વારા માન્યતા આ દિશાની આવકાર્ય ગતિવિધી હોવાનું પણ બંને નેતાઓ માન્યું હતું.
મોદી અને જોન્સને યુકે-ઇન્ડિયા વચ્ચેના સંબંધોની મજબૂતાઈ તથા ગ્લોસગોમાં આગામી COP-26 સમીટના સંદર્ભમાં ક્લાઇમેટ એક્શનની પણ ચર્ચા કરી હતી. બંને નેતાઓએ અફઘાનિસ્તાનની હાલની સ્થિતિને પણ ચર્ચા કરી હતી.
નિવેદનમાં જણાવ્યું હતું કે બંને વડાપ્રધાનોએ મેમાં જોન્સન અને મોદીએ સંમતિ આપતા 2030 રોડમેપની પ્રગતિને પણ આવકારી હતી. તેમાં ટ્રેડ અને ડિફેન્સ સહિતના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વડાપ્રધાન બોરિસ જોન્સન સાથે વાતચીત કરવાથી આનંદ થયો. અમે ઇન્ડિયા-યુકે એજન્ડા 2030ની પ્રગતિની સમીક્ષા કરી હતી, ગ્લાસગોમાં આગામી COP-26ના સંદર્ભમાં ક્લાઇમેટ એક્શન અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું અને અફઘાનિસ્તાન સહિતના પ્રાદેશિક મુદ્દા અંગે અમારા આકલનનું આદાનપ્રદાન કર્યું હતું.
યુકેના નિવેદન મુજબ જોન્સને આગામી COP-26 સમિટ ખાતે અને તે પહેલા ક્લાઇમેટ ચેન્જ અંગે નક્કર પ્રગતિના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે ભારત રિન્યુએબલ ટેકનોલોજીમાં વિશ્વમાં મોખરે છે અને આશા વ્યક્ત કરી હતી કે તેઓ વધુ મહત્ત્વકાંક્ષી નેશનલી ડિટરમાઇન્ડ કન્સ્ટ્રીબ્યુશન આપવા અને નેટ ઝીરો ઇમિશન્સને હાંસલ કરવા વધુ પ્રતિબદ્ધતા આપશે.