વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમાં વૈશ્વિક આયુર્વેદિક દિન નિમિત્તે શુક્રવારે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યું હતું તેમજ આયુર્વેદિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાંથી વિડિયો કોન્ફરન્સ મારફત ગુજરાતમાં ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) અને રાજસ્થાનમાં નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદ (NIA)નું લોકાર્પણ કર્યું હતું.
રિસર્ચ સેન્ટરનું ઇ-લોકાર્પણ કરી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દરેક ભારતીય લોકો માટે ગર્વની વાત છે કે WHOના વડાએ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના માટે દુનિયામાં દેશોમાં ભારતની પસંદગી કરી છે. હવે ભારતમાંથી દુનિયા આ દિશામાં કામ કરશે.
મોદીએ જણાવ્યું હતું કે આજે ધનતેરસની બધાને શુભકામના. આયુર્વેદને ધનવંતરીના દેવતા માનવામાં આવે છે. આજે ગુજરાતના જામનગરમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચને રાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે. આયુર્વેદમાં ઉચ્ચ શિક્ષા, રિસર્ચ અને સ્કિલ ડેવલપમેન્ટ સાથે જોડાયેલી આ સંસ્થાને ખૂબ જ ધન્યવાદ આપું છું. આયુર્વેદ ભારતની એક અમૂલ્ય વારસો છે. આપણું પારંપરિક જ્ઞાન બીજા દેશોને પણ સમૃદ્ધ કરી રહ્યું છે. આજે બ્રાઝિલની રાષ્ટ્રીય નીતિમાં આયુર્વેદ સામેલ છે.રાષ્ટ્રીય દરજ્જાથી જામનગરના આયુર્વેદ સંશોધન, તબીબી સારવાર અને શિક્ષણને જરૂરી વેગ મળશે. આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપતા હવે વૈશ્વિક ઓળખ મળી છે.